Tue Jul 28 2026

Logo

ડૉલર મજબૂત થતાં વૈશ્વિક સોના-ચાંદીમાં પીછેહઠ

2026-07-28 21:15:32
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિક સોનામાં રૂ. 2175નો અને ચાંદીમાં રૂ. 7098નો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવા ઉપરાંત આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકને ધ્યાનમાં લેતા રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 1.3 ટકાનો અને ચાંદીના ભાવમાં બે ટકાનો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં સોનાની આયાત પડતરો ઘટી આવતા સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2167થી 2175નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 7098નો કડાકો બોલાઈ ગયો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારોની માગ મર્યાદિત રહી હતી અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ છૂટીછવાઈ રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 7098ના ઘટાડા સાથે રૂ. 2,17,349ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2167 ઘટીને રૂ. 1,41,721 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2175ના ઘટાડા સાથે રૂ. 1,42,291ના મથાળે રહ્યા હતા. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.3 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 4021.18 ડૉલર આસપાસ અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 1.4 ટકા ઘટીને 4021.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે બે ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 57.21 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

હાલમાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 4000 ડૉલરની મહત્ત્વની ટેકાની સપાટી આસપાસ અથડાતા રહે છે અને ગમે ત્યારે બે્રકઆઉટ જોવા મળે તેવી શક્યતા સ્ટોન એક્સનાં વિશ્લેષક ઑ કોન્નેલે વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ટેક્નિકલ દૃષ્ટિએ હાજર બજારમાં શાંત વલણ જોવા મળી રહ્યું છે, જ્યારે વ્યવસાયિકો તેલના ભાવ, વ્યાજદર અને ડૉલર ઈન્ડેક્સની ક્રિયાપ્રતિક્રિયાના આધારે સોનાના ભાવની વધઘટના અંદાજો મૂકી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. 
નોંધનીય બાબત એ છે કે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ચાર સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની પડતરો વધવાને કારણે ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. વધુમાં આજે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સારી વાટાઘાટો થઈ રહી છે અને ડીલ થઈ જવાની શક્યતા વ્યક્ત કરી હતી, પરંતુ જો વાટાઘાટો નિષ્ફળ થાય તો પુનઃ હુમલા શરૂ કરવાની ચેતવણી પણ તેમણે ઉચ્ચારી હતી. 

વધુમાં રોકાણકારોની નજર આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિરિ થઈ છે કેમ કે પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે વ્યાજદરમાં ઘટાડો કરવાનો અનુરોધ કર્યો છે. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો વર્તમાન બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવે તેવી 34 ટકા શક્યતા મૂકી રહ્યા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારાની 81 ટકા શક્યતા જોઈ રહ્યા હતા.