Mon Oct 05 2026

Logo

અમારા તહેવારોથી વાંધો હોય તો પાકિસ્તાન ચાલ્યા જાઓ: નવનીત રાણા

2026-09-06 17:06:24
Author: Mumbai Samachar Team
અમારા તહેવારોથી વાંધો હોય તો પાકિસ્તાન ચાલ્યા જાઓ: નવનીત રાણા

મુંબઈ: ભાજપના નેતા અને પૂર્વ સાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્રના સાયનમાં આયોજિત દહીં હાંડી કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને રાજકીય મુદ્દાઓ પર આકરું વલણ અપનાવ્યું છે. તેમણે લાઉડસ્પીકર, અઝાન, હનુમાન ચાલીસા અને તહેવારોની ઉજવણી અંગે વાત કરતા જણાવ્યું કે, જો કોઈને હિંદુ તહેવારો કે તેના અવાજથી વાંધો હોય તો તેમણે પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.

નવનીત રાણાએ દાવો કર્યો કે જેન ઝી અને યુવા શક્તિ ભાજપ સાથે મજબૂતીથી ઊભી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં જન્માષ્ટમી અને દહીં હાંડીની પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને સાયનમાં આયોજિત દહીં હાંડીને તેમણે ‘જેન ઝી ની દહીં હાંડી’ ગણાવી હતી.તેમણે કહ્યું કે જેન ઝી ગઈકાલે પણ ભાજપ સાથે હતી, આજે પણ ભાજપ સાથે છે અને ભવિષ્યમાં પણ ભાજપ સાથે રહેશે.

નવનીત રાણાના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં પેઢીઓથી તહેવારો અને સંસ્કૃતિની પરંપરા ચાલી આવી છે. તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સરકાર દ્વારા ગોવિંદા પથકો અને ગોવિંદા મંડળો સાથે જોડાયેલા યુવાનોને સરકારી નોકરી અને આરક્ષણ આપવાની પહેલનો પણ ઉલ્લેખ કર્યો. દહીં હાંડીને રમતનો દરજ્જો આપવાનો નિર્ણય પણ તેમણે મહત્વપૂર્ણ ગણાવ્યો.

કાર્યક્રમ દરમિયાન હનુમાન ચાલીસા વગાડવામાં આવતાં નવનીત રાણાએ હનુમાન ચાલીસાના મુદ્દે પણ પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે તેઓ સાયનમાં ઊભા છે અને અહીંથી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીનું અંતર વધારે નથી.તેમણે અગાઉના હનુમાન ચાલીસા વિવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હવે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વગાડવા બદલ કોઈને 14 દિવસ જેલમાં જવું નહીં પડે.નવનીત રાણાએ વધુમાં કહ્યું કે હનુમાન ચાલીસાનો અવાજ દૂર સુધી પહોંચવો જોઈએ અને દરેક ગલી તથા દરેક ઘરમાં હનુમાન ચાલીસા વાગવી જોઈએ.

ડીજેના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ અંગે નવનીત રાણાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવેદનનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે જો ડીજે બંધ કરવાની વાત કરવામાં આવે છે તો તમામ પ્રકારના લાઉડસ્પીકર અંગે પણ સમાન નિયમ હોવો જોઈએ. મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા થતી અઝાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે પહેલા પાંચ વખત થતી અઝાન માટેના લાઉડસ્પીકર બંધ કરવામાં આવે અને ત્યારબાદ ડીજે બંધ કરવાની વાત કરવામાં આવે.

ગણપતિ ઉત્સવ દરમિયાન લાઉડસ્પીકર માટેની સમયમર્યાદા વધારવાના મુદ્દે વારિસ પઠાણ દ્વારા વ્યક્ત કરાયેલ આપત્તિ અંગે નવનીત રાણાએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.તેમણે કહ્યું કે જો કોઈને હિંદુ તહેવારો અથવા તેમની સાથે જોડાતો અવાજ પસંદ ન હોય તો તેઓ પાકિસ્તાન ચાલ્યા જાય. નવનીત રાણાએ કહ્યું કે ભારતમાં દેશની સંસ્કૃતિ, તહેવારો, નિયમો અને વિચારોને અનુરૂપ વ્યવસ્થા ચાલશે.