બીડ: પોતાની બે દીકરીઓના શિક્ષણ માટેની ફી ભરવામાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી રમાબાઈ રણવીરે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉઘાડા પગે મેરેથોન દોડીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની આ અસાધારણ હિંમત અને સંકલ્પને બિરદાવતાં બિડ જિલ્લા પ્રશાસને તેમને રૂ. 50 હજારની આર્થિક સહાય જાહેર કરી છે.
રમાબાઈ રણવીરે 29 ઓગસ્ટના રોજ અંબાજોગાઈ ખાતે ભારતીય શિક્ષણ પ્રસારક મંડળ દ્વારા આયોજિત અમૃત-2 મેરેથોનમાં ભાગ લીધો હતો. આર્થિક સંકડામણ અને બે દીકરીઓના શિક્ષણની ફી ભરવાની જવાબદારી વચ્ચે તેમણે મેરેથોનમાં દોડવાનું નક્કી કર્યું હતું. પોતાની દીકરીઓને સારું ભવિષ્ય મળે અને તેમનું શિક્ષણ અટકે નહીં, તેવા સંકલ્પ સાથે તેમણે આ દોડમાં ભાગ લીધો હતો અને દોડ દરમ્યાન તેમના પગરખાં સરકવા લાગતાં તેમણે તેને હાથમાં પકડી ઉઘાડા પગે દોડ પૂરી કરી અમૃત-2 મેરેથોનમાં વિજેતા બન્યાં હતાં.
રમાબાઈની આ સિદ્ધિ અને તેમના સંઘર્ષની નોંધ લેતાં બિડ જિલ્લા પ્રશાસન દ્વારા શુક્રવારે કલેક્ટર કચેરી ખાતે આવેલા જિલ્લા આયોજન હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિડના કલેક્ટર વિવેક જોનસને રામાબાઈની હિંમત, સંઘર્ષ અને માતૃત્વની ભાવનાને બિરદાવી હતી.
કલેક્ટર વિવેક જોનસને જણાવ્યું હતું કે, રમાબાઈની સિદ્ધિ માત્ર મેરેથોનની જીત નથી, પરંતુ પોતાની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક માતાની મમતા, ત્યાગ, સંઘર્ષ અને અડગ સંકલ્પની જીત છે. તેમણે કહ્યું કે રામાબાઈ એ જીવંત ઉદાહરણ છે કે એક માતા પોતાની સંતાનોના ભવિષ્ય માટે કેટલી હદ સુધી જઈ શકે છે અને કેટલો સંઘર્ષ સહન કરી શકે છે.
રમાબાઈને આપવામાં આવેલી રૂ. 50 હજારની આર્થિક સહાય માટેની વ્યવસ્થા નિવાસી નાયબ કલેક્ટર શિવકુમાર સ્વામીના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલી પહેલ દ્વારા કરાઈ હતી. જિલ્લા પ્રશાસન તરફથી મળેલી આ સમયસરની મદદથી રમાબાઈ અત્યંત ખુશ થઈ ગયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, મળેલી આર્થિક સહાયથી તેમની દીકરીઓના શિક્ષણનો આર્થિક બોજ ઓછો કરવામાં મોટી મદદ મળશે.