Mon Oct 05 2026

Logo

અભિનેત્રી નોરા ફતેહી વિરુદ્ધ ગાંધીનગર સિવિલ કોર્ટમાં એવિયેશન કંપનીએ કેસ દાખલ કર્યો

2026-09-06 17:20:54
Author: Pooja Shah
અભિનેત્રી નોરા ફતેહી વિરુદ્ધ ગાંધીનગર સિવિલ કોર્ટમાં એવિયેશન કંપનીએ કેસ દાખલ કર્યો

ANI


અમદાવાદઃ બોલીવૂડ અભિનેત્રી અને ડાન્સર તેમ જ રિયાલિટી શૉમાં જજ બની લોકપ્રિય થયેલી નોરા ફતેહી વિરુદ્ધ ગાંધીનગર સિવિલ કોર્ટમાં એવિયેશન કંપની દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી અહેવાલ દ્વારા મળી હતી. નોરા 14 ડિસેમ્બર, 2025માં ડ્યૂન્સ એવિયેશનના સેસના સિટેશન સીજે-2 નામના ખાનગી જેટ દ્વારા મુંબઈથી જયપુર ગઈ હતી. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં તેણે આ જેટની સુરક્ષા વિશે ટિપ્પણી કરી હતી અને તેને ટૉય પ્લેન અને લેગો પ્લેન કહ્યું હતું. આ સાથે એમેઝોન પર ઓર્ડર કરીએ તો આવું જ પ્લેન મળે તેવી ટિપ્પણી પણ કરી હતી. 

કંપનીનું કહેવાનું છે કે કોઈપણ જાતનું ટેકનિકલ જ્ઞાન ન હોવા છતાં અભિનેત્રીએ જેટની સુરક્ષા બાબતે પ્રશ્નો ઊભા કર્યા હતા. વિમાન સુરક્ષિત છે અને નોરાએ પણ મુંબઈથી જયપુરનો સુરક્ષિત પ્રવાસ કર્યો હતો. કંપનીએ એમ પણ કહ્યું હતું કે તેઓ ડીજીસીએના તમામ નિયમોનું પાલન કરે છે અને ઘણા ખાસ ગ્રાહકોને સેવા આપે છે.

આ સાથે અહેવાલ અનુસાર કંપનીએ દાવો કર્યો હતો કે નોરાના ઈન્સ્ટાગ્રામ પર 46.6 મિલિયન (4.66 કરોડ) જેટલા ફોલોઅર્સ છે અને તેનાં વીડિયો ઝડપથી વાયરલ થતા તેમની કંપનીના બુકિંગ્સમાં 40થી 45 દિવસમાં 15થી 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અહેવાલ અનુસાર કોર્ટમાં અરજી કરતા પહેલા કંપનીએ નોરાને લિગલ નોટિસ પાઠવી હતી, પરંતુ નોરા તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા તેમણે રૂ. 3 કરોડની નુકસાન ભરપાઈ અને વીડિયો રિમુવ કરવાની માગણી સાથે કોર્ટમાં અપીલ કરી છે. આ અંગે કંપનીની લિગલ ટીમ કે અભિનેત્રીની ટીમ સાથે સીધો સંપર્ક થઈ શક્યો નથી.