બીજિંગ: આ એક એવો યુગ છે કે જ્યાં વિશ્વમાં સ્પેસ રેસ સ્પીડ, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ગતિવિધિઓ દ્વારા નક્કી થઈ રહી છે. આ હરીફાઈના યુગમાં આગળ રહેવા માટે ચીને તેના અંતરિક્ષ અભિયાનોનો એક મોટો હિસ્સો દેશના અંદરના જમીની સ્પેસપોર્ટથી હટાવીને ખુલ્લા સમુદ્ર તરફ વાળ્યો છે.
પૂર્વ ચીન સાગરમાંથી 'ગ્રેવિટી-1' જેવા કમર્શિયલ રોકેટનું દરિયામાંથી સફળ લોન્ચિંગ એ ચીનની એરોસ્પેસ રણનીતિમાં આવેલા મોટા ફેરફારનો પુરાવો છે. 'ડ્રેગન' પોતાના રોકેટ્સને જમીનના બદલે સમુદ્રમાંથી લોન્ચ કરી રહ્યું છે તેની પાછળ ઘણા ટેકનિકલ, વ્યવહારિક અને સુરક્ષા સંબંધિત કારણો જવાબદાર છે.
ચીનના પરંપરાગત સ્પેસપોર્ટ જેવા કે જિયુક્વાન, તાઈયુઆન અને શિચાંગ દેશના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા છે. જમીન પરથી લોન્ચ કરવામાં આવતા રોકેટ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો પરથી પસાર થાય છે, જેના કારણે રોકેટનો કાટમાળ ગામડાઓ કે શહેરો પર પડવાનો ભય રહે છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા ખિસ્સાં પર ભારણ બની રહે છે.
આ ઉપરાંત, આંતરિક વિસ્તારોમાંથી લોન્ચિંગના કારણે દેશના સ્થાનિક હવાઈ વાહનવ્યવહારને પણ અસર પહોંચે છે. સમુદ્રમાંથી મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા રોકેટ લોન્ચ કરવાથી માનવ વસ્તી પર કાટમાળ પડવાનું જોખમ નહીંવત્ થઈ જાય છે અને હવાઈ ક્ષેત્રની સમસ્યાઓ દૂર થાય છે.
દરિયામાંથી લોન્ચિંગ કરવાનો બીજો મોટો ફાયદો બળતણની બચત અને પેલોડ ક્ષમતામાં વધારો છે. વિજ્ઞાનના નિયમ મુજબ વિષુવવૃત્ત નજીકથી લોન્ચ કરવાથી પૃથ્વીની પરિભ્રમણ ગતિનો લાભ મળે છે, જેનાથી ઓર્બિટ સુધી પહોંચવા માટે ઓછું બળતણ વપરાય છે અને રોકેટ વધુ ભારે સેટેલાઇટ લઈ જઈ શકે છે.
ઉપરાંત સૈન્ય અને ઓપરેશનલ દ્રષ્ટિએ પણ આ પદ્ધતિ ખૂબ મહત્વની છે. કોઈપણ કટોકટી કે યુદ્ધની સ્થિતિમાં જો જમીની સ્પેસપોર્ટને ક્ષતિઓ પહોંચે કે કોઈ કારણથી બીજે કામમાં વ્યસ્ત થઈ જાય, તો સમુદ્રી પ્લેટફોર્મ પરથી ઝડપથી સેટેલાઇટ લોન્ચ કરીને નેવિગેશન અને સંચાર પ્રણાલીને સીમલેસ રીતે ચાલુ રાખી શકાય છે.
સ્પેસએક્સના સ્ટારલિંક નેટવર્કને ટક્કર આપવા માટે ચીન પણ ગુઓવાંગ અને કિયાનફાન જેવા વિશાળ સેટેલાઇટ નેટવર્ક બનાવી રહ્યું છે, જેના માટે ઝડપી લોન્ચિંગ ફ્રિકવન્સીની જરૂર છે. શેન્ડોંગ પ્રાંતના ઓરિએન્ટલ એરોસ્પેસ પોર્ટ જેવા દરિયાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ચીન પોતાની કમર્શિયલ સ્પેસ જરૂરિયાતોને સરકારી મિલિટરી સ્પેસપોર્ટથી અલગ કરી રહ્યું છે.
આ વ્યવસ્થાથી ખાનગી કંપનીઓ મહિનાઓ સુધી સમુદ્રમાં ઘન બળતણવાળા રોકેટોને સ્ટેન્ડબાય પર રાખી શકે છે અને સરળતાથી લોન્ચિંગ કરી શકે છે. દરિયાઈ લોન્ચિંગ પર પ્રભુત્વ મેળવીને ચીને ભવિષ્યની સ્પેસ ઈકોનોમી માટે એક સસ્તો, સુરક્ષિત અને ઝડપી માર્ગ તૈયાર કરી લીધો હોવાનું નીતિ વિશ્લેષકો ચર્ચી રહ્યા છે.