Tue Oct 06 2026

Logo

કરિઅર: બદલાયેલા વર્ક કલ્ચરમાં ઈન્ટર્ન એટલે સસ્તા મજૂર?

2026-09-27 10:13:00
Author: Kirti Shekhar
કરિઅર: બદલાયેલા વર્ક કલ્ચરમાં ઈન્ટર્ન એટલે સસ્તા મજૂર?

 

 

 

- કીર્તિશેખર

 

એક સમયે ઇન્ટર્નશિપનો અર્થ પુસ્તકો અને કોલેજની વાસ્તવિક દુનિયામાંથી બહાર નીકળીને કાર્યસ્થળની વાસ્તવિક દુનિયામાં પ્રવેશવાનો હતો. યુવાનો થોડા મહિનાઓ માટે કોઈ સંસ્થા, કંપની અથવા સંગઠનમાં જોડાતા, અનુભવી લોકો સાથે સમય વિતાવતા, તેમને કામ કરતા જોતા અને તેમની પાસેથી શીખતા. જોકે આ સમય દરમિયાન તેઓ ઘણી ભૂલો કરતાં, પરંતુ વ્યવહારિક રીતે કામ શીખવાનો ત્યારે આ જ એક રસ્તો હતો. વાસ્તવમાં ઇન્ટર્નશિપ એક પ્રકારે `લર્નિંગ બ્રિજ' હતી, એટલે કે શિક્ષણ અને રોજગાર વચ્ચેનો બ્રિજ. આજે, ઇન્ટર્નશિપની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ડિજિટલ વર્કપ્લેસ, રિમોટ વર્ક, હાઇબ્રિડ ઓફિસ મોડલ, સ્ટાર્ટઅપ કલ્ચર, ગિગ ઇકોનોમી અને હવે જનરેટિવ એઆઈ એ આ અનુભવને તદ્દન નવું રૂપ આપી દીધું છે. આજે ઇન્ટર્ન માત્ર શીખવા માટે ઓફિસ નથી આવતો, તેની પાસેથી ડિલિવરેબલ્સ, ડેડલાઇન, પરફોર્મન્સ, આઉટપુટ અને પ્રોડક્ટિવિટીની અપેક્ષા રાખવામાં આવે છે. 

 

શીખવાથી લઈને આઉટપુટ સુધી: પહેલાં ઇન્ટર્નને એક ટે્રની તરીકે જોવામાં આવતો હતો, તેની પાસેથી એવી અપેક્ષા રાખવામાં નહોતી આવતી કે તે પહેલા જ દિવસથી કંપની કે સંસ્થા માટે નફો રળી આપશે. તેનું કામ શીખવું, જોવું, સમજવું, ધીમે ધીમે જવાબદારી સમજવી અને આ બધી પ્રક્રિયા દરમિયાન કામમાં થોડી મદદ કરવાનું હતું. આજે નવું વર્ક કલ્ચર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આજે ઇન્ટર્ન જોડાય કે તરત જ તેને કહેવામાં આવે છે કે, `આ પ્રોજેક્ટ તમારો છે.' તેણે સોશ્યલ મીડિયા કેમ્પેઇન બનાવવાના છે, માર્કેટ રિસર્ચ કરવાનું છે, ડેટા એનાલાઇઝ કરવાનો છે, ક્નટેન્ટ તૈયાર કરવાનું છે અથવા ક્લાયન્ટ માટે પ્રેઝન્ટેશન બનાવવાનું છે. દરેક કામ સાથે જ પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ જોડાઈ જાય છે. તેની પ્રગતિને ડેશબોર્ડ, ટાસ્ક મેનેજમેન્ટ પ્લેટફોર્મ અને સાપ્તાહિક રિપોર્ટ દ્વારા માપવામાં આવે છે. સાંભળવામાં આ ફેરફાર સકારાત્મક લાગે છે, આખરે વાસ્તવિક કામ મળવાથી જ તો અનુભવ મળે છે, પરંતુ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે જવાબદારી તો કર્મચારી જેટલી હોય, પરંતુ અધિકાર અને વળતર ઇન્ટર્ન જેટલું પણ ન હોય. આજની ઇન્ટર્નશિપની દુનિયાનો આ જ સૌથી મોટો વિરોધાભાસ છે.

 

અનપેઇડ ઇન્ટર્નશિપ્સ એક પ્રકારનું શોષણ: ઇન્ટર્નશિપના નામે વિના વેતને કામ કરાવવું આજે સામાન્ય બની ગયું છે. પરંતુ કોઈ પણ આનાકાની વિના તેને શોષણ કહીએ તો ખોટું નહીં હોય. પરંતુ આજે એ સવાલ અત્યંત મહત્ત્વનો છે કે જ્યારે શિક્ષણ સંસ્થાઓ આટલી મોંઘી હોય અને જોબ માર્કેટમાં અનુભવની અનિવાર્યતા ફરજિયાત કરી દેવામાં આવી હોય, તો યુવાનો આ શોષણ ન સહન કરે તો કરે પણ શું? `પહેલાં અનુભવ લાવો, પછી જ નોકરી મળશે' લગભગ દરેક વેકેન્સી સાથે આ શરત જોડાયેલી હોય છે. એટલા માટે અનુભવ મેળવવા ખાતર, બધું જ જાણવા-સમજવા છતાં પણ ઇન્ટર્નશિપના આ શોષણમાંથી પસાર થવું પડે છે. ઇન્ટર્નશિપ માટે સમય આપવો પડે છે, મુસાફરી કરવી પડે છે અને ઘણીવાર તો પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં જવું પડે છે. આટલું હોવા છતાં કેટલીય વાર આ તમામ ખર્ચ પણ પોતે જ ઉઠાવવો પડે છે. આવા સમયે વિના વેતનની ઇન્ટર્નશિપ એક પ્રકારે લાચારીનો ગેરફાયદો ઉઠાવવા સમાન છે.