નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણીપંચ પર SIRને લઈ થઈ રહેલા આરોપ મુદ્દે આખરે ચૂંટણીપંચે મોટી અને મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. દેશના જુદા જુદા મહાનગરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન બાદ હવે ચૂંટણીપંચે એક મહત્ત્વની સ્પષ્ટતા કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના આક્ષેપો અને 'સ્પેશિયલ સમરી રિવિઝન' (SSR) પ્રક્રિયા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે, ચૂંટણીપંચે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે.
પંચે ચૂંટણી કમિશનરો વચ્ચેના મતભેદો અંગેના વિવાદ પર મુદ્દાસર સ્પષ્ટતા કરી હતી. ભારતના ચૂંટણી પંચના ડાયરેક્ટર જનરલ આશિષ ગોયલે જણાવ્યું હતું કે, આજે 26 સપ્ટેમ્બર 2026 ના રોજ બપોરે નવી દિલ્હી સ્થિત નિર્વાચન સદન ખાતે ભારતના ચૂંટણી પંચની બેઠક યોજાઈ હતી.
પંચની સ્પષ્ટતા
પંચે સ્પષ્ટ કર્યું હતું કે, મતદાર યાદીના 'સ્પેશિયલ સમરી રિવિઝન' (SSR) સંબંધિત તમામ નિર્ણયો ત્રણેય કમિશનરોની સર્વસંમતિથી અને કાયદાકીય પ્રક્રિયાઓનું ચુસ્તપણે પાલન કરીને લેવામાં આવ્યા હતા. ચાલી રહેલા વિવાદો વચ્ચે, આજે દિલ્હીમાં ચૂંટણી પંચની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશી ઉપસ્થિત રહ્યા હતા.
આ કેબિનેટ સચિવને મોકલવામાં આવેલા પત્ર અંગે જાહેર કરાયેલા નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ પત્રવ્યવહાર કોઈ નીતિવિષયક બાબતને લગતો ન હતો. ડેપ્યુટેશન પર ફરજ બજાવતા અધિકારીની કામગીરીને લગતો હતો. ચૂંટણી પંચની પ્રેસ રિલીઝમાં પંચની કાર્યપદ્ધતિને લગતા નિર્ણયોની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, એક મીડિયાના અહેવાલના સંદર્ભમાં, પંચે સંધુ અને જોશી દ્વારા કેબિનેટ સચિવને લખવામાં આવેલા પત્ર અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી.
જ્ઞાનેશકુમાર સાથે બેઠક
મીડિયા બ્રિફિંગ અનુસાર ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધૂ તથા વિવેક જોષીએ શનિવારે એક મહત્ત્વની બેઠક યોજી હતી. આ સાથે ત્રણેય એક જ ટેબલ પર ભેગા થયા હતા અને એક તસવીર પણ શૅર કરી હતી. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે એક મીડિયા રિપોર્ટને લઈ પંચ સામે વિવાદ ચાલી રહ્યો છે.
આ મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સંધૂ અને જોષીએ SIR સંબંધિત કેટલાક નિર્ણયો સામે વાંધો ઊઠાવ્યો હતો. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષ પણ એકજુથ થઈને જ્ઞાનેશકુમારનું રાજનામુ માગી રહ્યા છે. કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યા બાદ હવે કોક્રોચ જનતા પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે. કોક્રોચ જનતા પાર્ટી મુંબઈથી આંદોલન કરવાના મૂડમાં છે. આયોગે એ પણ સ્પષ્ટ કર્યું કે, કેબિનેટ સચિવને લખવામાં આવેલા પત્રને ચૂંટણી પંચના નીતિગત નિર્ણય સાથે કોઈ લેવાદેવા નહોતા.
SIRની વાત
બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત દેશભરના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે. જે વ્યક્તિઓના નામ SIR દરમિયાન અથવા તે પછી મતદાર યાદીમાં રહી ગયા હોય, જેમાં યુવાનો અને પ્રથમ વખત મતદાન કરનારાઓનો પણ સમાવેશ થાય છે. તેઓ 'સતત અપડેટિંગ પ્રક્રિયા' (continuous updation process) હેઠળ સંબંધિત ERO (ચૂંટણી નોંધણી અધિકારી) ને અરજી કરીને મતદાર યાદીમાં પોતાના નામનો સમાવેશ કરાવી શકે છે.
આ અંગે વિભાગે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરીને વાત શૅર કરી હતી. પંચે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, ફોર્મ 6નો વિવાદ કોઈ મોટો મુદ્દો નથી. આ વાત એવા સમયે અલગ વિષય સાથે સામે આવી છે જ્યારે વિપક્ષ ચૂંટણીપંચની ભૂમિકાને આશંકાના દાયરામાં રહીને જોવે છે. ખાસ કરીને SIRની પ્રક્રિયાને લઈને સવાલ થઈ રહ્યા છે ત્યારે આ વિષય પર પંચ સ્પષ્ટતા કરે એવું વિપક્ષો ઈચ્છે છે.
રાહુલ ગાંધીના પ્રહાર
આ સમગ્ર બેઠક બાદ રાહુલ ગાંધીએ સરકાર સામે મોટા પ્રહાર કર્યા છે. જ્ઞાનેશ કુમારને ચૂંટણીમાં મેચ ફિક્સિંગની જવાબદારી સોંપાઈ એવું રાહુલ ગાંધીનું કહેવું છે. આ વિષય પર રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને પોતાની વાત સ્પષ્ટ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પહેલા જ્ઞાનેશ કુમારનો ઉપયોગ ભાજપમાં ભરતી માટે થયો, પછી વડા પ્રધાન અને ગૃહમંત્રીએ તેમને અમ્પાયર બનાવી ભારતીય ચૂંટણીઓમાં 'મેચ-ફિક્સિંગ'ની જવાબદારી સોંપી દીધી.
વિપક્ષ તેમને હટાવવા અભિયાન ચલાવવાની તૈયારીમાં છે, જ્યારે ભાજપે રાહુલ ગાંધી પર સત્તા માટે બંધારણીય સંસ્થાઓ પર પ્રહાર કરવાનો આરોપ લગાવ્યો છે. કેરળના પૂર્વ સચીવની વાત કરતા રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, મુખ્ય સચીવ જીજી થોમસનનું એવું કહેવું છે કે, જ્ઞાનેશકુમારે એનો સંપર્ક કર્યો હતો, ભાજપે એમને ટિકિટ આપી હતી ચૂંટણી લડવા માટે. આ સાથે મંત્રી પદ આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.
ભાજપના સાંસદે શું કહ્યું.
ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું, તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે વિરોધ પક્ષો ખાસ કરીને કોંગ્રેસ અને રાહુલ ગાંધી એક અખબારના અહેવાલના આધારે ચૂંટણી પંચ સામે આવા પાયાવિહોણા અને શરમજનક આક્ષેપો કરી રહ્યા છે. અમે આની નિંદા કરીએ છીએ... ચૂંટણી પંચે આજે સત્તાવાર રીતે એક પ્રેસ નોટ બહાર પાડી છે. સમાચાર અહેવાલમાં જે ત્રણેય ચૂંટણી કમિશનરોનો ઉલ્લેખ છે, તે તમામ આજે યોજાયેલી બેઠકમાં હાજર હતા. આ નોટમાં જણાવવામાં આવ્યું છે કે SIR અંગેના તમામ નિર્ણયો મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરોની સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા.