બોલિવૂડનો ઈતિહાસ ખૂબ જ વિશાળ રહ્યો છે અને અનેક પરિવર્તનોમાંથી પસાર થયો છે. પરંતુ આ ઈતિહાસ સાથે જોડાયેલી કેટલીક સુવર્ણ યાદો એવી છે, જે પોતાની અંદર એક સુહાનો સફર સમાવી લે છે. કોઈ સફર ફિલ્મની હોઈ શકે, કોઈ ગીતની તો કોઈ કલાકારની કારકિર્દીની. આજે વાત કરીએ છીએ બોલિવૂડના આ સુહાના સફરને વધુ સુંદર બનાવનાર સદાબહાર અભિનેતા અને દિગ્દર્શક દેવ આનંદની.
બહુ ઓછા કલાકારો એવા હોય છે, જેમને બોલિવૂડના ઈતિહાસમાં તેમના નામથી એક આખા યુગ તરીકે યાદ કરવામાં આવે. જેમ દિલીપ કુમારનો એક યુગ હતો, તેમ દેવ આનંદનો પણ એક યુગ હતો. આ યુગમાં અનેક દાયકાઓની યાદો સમાયેલી છે. લગભગ પાંચ દાયકા સુધી દેવ આનંદ અલગ-અલગ અંદાજમાં પડદા પર જ નહીં, પરંતુ પડદા પાછળ પણ સક્રિય રહ્યા.
દેવ આનંદ એવા કલાકારોમાં સામેલ હતા, જેમણે ભારતીય સિનેમાના ઈતિહાસમાં અનેક સ્ટીરિયોટાઇપ્સ તોડ્યા હતા. તેમણે પોતાની ભૂમિકાઓમાં જાણે દીવાનગીની હદ સુધી જીવ રેડી દીધો અને તેના બદલામાં દર્શકોનો અપાર પ્રેમ અને સન્માન મેળવ્યું. જો દેવ આનંદ ન હોત તો કદાચ આ દિલ પણ એટલું 'બેચારું' ન હોત! તેઓ 'જ્વેલ થીફ' પણ હતા અને 'પ્રેમ પુજારી' પણ. 'બનારસી બાબુ' પણ હતા અને 'મનમૌજી' પણ. તેઓ 'ગાઈડ' પણ હતા અને 'ગેમ્બલર' પણ.
એક એવા ટેક્સી ડ્રાઈવર, જેણે રોમાન્સ પણ કર્યો, ગ્રે શેડવાળી ભૂમિકાઓ પણ ભજવી અને એક્શન પણ કર્યું. પરંતુ દેવ આનંદને સૌથી વધુ અલગ બનાવતી બાબત એ હતી કે પડદા પર તેમણે ચોકલેટી હીરોની છબી બનાવી, જ્યારે પડદા પાછળ તેમના વિચારોની બેબાકીને વધુ સ્પષ્ટતા મળી.
'હરે રામા હરે કૃષ્ણા' ફિલ્મને ભલા કોણ ભૂલી શકે? પડદા પર તેમની સ્ટાઇલ દેખાતી હતી તો પડદા પાછળ તેમનો જુસ્સો. સમગ્ર રીતે જોવામાં આવે તો દેવ આનંદ એક એવરગ્રીન કલાકાર તરીકે ઉભરી આવ્યા હતા. આવો, ઈતિહાસના પાનાઓમાં થોડું ફરીએ અને 26 સપ્ટેમ્બર 2026ના રોજ દેવ સાહેબની 103મી જન્મજયંતિ નિમિત્તે તેમની આ સુહાની સફરની યાદો તાજી કરીએ.
કેવી રીતે શરૂ થઈ ફિલ્મી સફર?
દેવ આનંદને અભિનેતા બનવાનો શોખ હતો. પોતાના આ શોખને પૂરો કરવા માટે તેઓ માત્ર 30 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા. શરૂઆતના સમયમાં ગુજરાન ચલાવવા માટે તેમણે મિલિટરી સેન્સર ઓફિસમાં કામ કર્યું હતું. બાદમાં તેઓ ઇપ્ટા થિયેટર સાથે જોડાયા.
એક વખત તેમની મુલાકાત પ્રભાત ફિલ્મ્સના બાબુરાવ સાથે થઈ. તેમણે દેવ આનંદને દિગ્દર્શક પી. એલ. સંતોષી સાથે મુલાકાત કરવા કહ્યું હતું. દેવ આનંદે ફિલ્મ માટે ઓડિશન આપ્યું અને તેમનું ઓડિશન પસંદ કરવામાં આવ્યું, ત્યારબાદ તેમને કારકિર્દીની પ્રથમ ફિલ્મ 'હમ એક હૈં' મળી હતી.
અલગ અંદાજથી યુવાન દિલો પર કર્યું રાજ
દેવ આનંદના વ્યક્તિત્વમાં એક ચુંબકીય આકર્ષણ હતું. પુરુષ હોય કે સ્ત્રી, દરેક વ્યક્તિ તેમના આકર્ષક વ્યક્તિત્વ તરફ ખેંચાઈ જતી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે 'જિદ્દી', 'જીત', 'દિલરૂબા', 'બાજી', 'હમસફર', 'દો સિતારે', 'ટેક્સી ડ્રાઈવર', 'સીઆઈડી', 'ફનટૂશ', 'કાલા પાની', 'નૌ દો ગ્યારહ', 'પેઇંગ ગેસ્ટ', 'જબ પ્યાર કિસી સે હોતા હૈ', 'અસલી-નકલી', 'તેરે ઘર કે સામને' અને 'તીન દેવિયાં' જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતુ.
આ ફિલ્મોમાં તેમની ચોકલેટી અને રોમેન્ટિક હીરોની છબીએ દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. તેમનો અંદાજ એટલો લોકપ્રિય થયો કે લોકો તેમની સ્ટાઇલની નકલ કરવા લાગ્યા હતા. લોકો તેમના જેવા વાળ ગોઠવતા, તેમના જેવા કપડાં પહેરતા અને તેમની ડાયલોગ ડિલિવરી પણ કોપી કરવાનો પ્રયાસ કરતા હતા.
જુસ્સો અને પડદા પાછળનો કમાલ
કારકિર્દીના બીજા તબક્કામાં દેવ આનંદે સમયની સાથે પોતાને બદલ્યા હતા. તેમનો અંદાજ થોડો વધુ અલગ દેખાવા લાગ્યો હતો. જ્યાં પહેલાં તેમના લહેરાતા વાળ જોવા મળતા હતા, ત્યાં હવે ટોપીએ સ્થાન લીધું હતુ. ચાલમાં થોડો વધુ અદાકારીભર્યો અંદાજ આવ્યો અને ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ પણ પહેલાં કરતાં વધુ મિસ્ચીવિયસ બની ગઈ.
આ તબક્કામાં 'ગાઈડ' ફિલ્મમાં તેમની ભૂમિકા, જે આધ્યાત્મિક દૃષ્ટિકોણ ધરાવે છે, તેને અવગણી શકાય નહીં. આ ભૂમિકા સિવાય પણ અભિનેતાએ પડદા પર પોતાની વર્સેટાઇલ એક્ટિંગ દર્શાવવાનું શરૂ કર્યું હતુ. હવે પડદા પર માત્ર રોમાન્સ નહોતો. હસીનાઓની આસપાસ ફરતો હીરો જ નહોતો.
હવે વાત ગ્રે શેડ્સની હતી. 'જ્વેલ થીફ', 'પ્રેમ પુજારી', 'જોની મેરા નામ', 'ગેમ્બલર', 'હરે રામા હરે કૃષ્ણા', 'બનારસી બાબુ', 'છુપા રુસ્તમ', 'હીરા પન્ના', 'જોશીલા', 'શરીફ બદમાશ', 'અમિર ગરીબ', 'વોરંટ', 'કાળા બજાર', 'લૂટમાર', 'ડાર્લિંગ ડાર્લિંગ' અને 'દેશ પરદેશ' જેવી અનેક ફિલ્મોમાં તેમના બે અલગ-અલગ રૂપ જોવા મળ્યા હતા.
ત્યારબાદ તેમણે ફિલ્મ બનાવવાનુ શરૂ કર્યુ , આ સમયગાળા દરમિયાન તેમનો જુસ્સો ચરમસીમાએ હતો. તેઓ પોતાની શૈલીની ફિલ્મો બનાવતા અને તેમાં કોઈ કચાશ રાખતા નહોતા. તેમની ફિલ્મોમાં બોલ્ડનેસ પણ હતી, મનોરંજન પણ હતું અને સંદેશ પણ હતો. ફિલ્મ ચાલશે કે નહીં, તે વિચારીને તેઓ ફિલ્મ બનાવતા નહોતા. તેઓ પોતાના શોખ અને દર્શકોના મનોરંજન માટે ફિલ્મો બનાવતા હતા.
બોક્સ ઓફિસ પર ક્યારેક તેમની ફિલ્મો સફળ રહી તો ક્યારેક નહીં. પરંતુ તેઓ કોઈની પરવા કર્યા વિના ફિલ્મોનું દિગ્દર્શન કરતા રહ્યા હતા.
એવરગ્રીન અંદાજ રહ્યો યથાવત્
80ના અને 90ના દાયકામાં પણ તેમની સક્રિયતા જળવાઈ રહી હતી. આ એવો સમય હતો જ્યારે તેમના સમયના અનેક અભિનેતાઓ લગભગ પડદા પરથી અદૃશ્ય થઈ ગયા હતા. દિલીપ કુમાર પણ ખૂબ ઓછી ફિલ્મોમાં જોવા મળતા હતા. રાજ કપૂર દિગ્દર્શન ક્ષેત્રે પ્રયોગો કરી રહ્યા હતા, પરંતુ મુખ્ય ભૂમિકાઓમાં વધતી ઉંમર પડકાર બની રહી હતી. શમ્મી કપૂર અને રાજેન્દ્ર કુમારની સ્થિતિ પણ કંઈક આવી જ હતી.
પરંતુ આ સમયગાળામાં દેવ આનંદની સતત સક્રિયતા તેમને અન્ય કલાકારોથી અલગ બનાવતી હતી. તેઓ ફિલ્મોનું દિગ્દર્શન પણ કરતા અને મુખ્ય ભૂમિકાઓ પણ ભજવતા. તેઓ પોતાની આગવી શૈલીમાં સિનેમાને જીવતા રહ્યા હતા.
આ દરમિયાન તેમણે 'દેશ પરદેશ', 'લૂટમાર', 'સ્વામી દાદા', 'આનંદ ઔર આનંદ', 'લશ્કર', 'સૌ કરોડ', 'અવ્વલ નંબર', 'પ્યાર કા તરાના', 'ગેંગસ્ટર', 'રિટર્ન ઑફ જ્વેલ થીફ', 'મૈં સોલહ બરસ કી', 'સેન્સર', 'લવ એટ ટાઇમ્સ સ્ક્વેર', 'મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર' અને 'ચાર્જશીટ' જેવી ફિલ્મો બનાવી હતી.
સૌથી મોટી વાત એ છે કે જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેઓ લગભગ 87 વર્ષના હતા અને ત્યાં સુધી પણ સતત ફિલ્મો બનાવી રહ્યા હતા. ક્યારેય હાર ન માનવાની તેમની અદા પણ તેમના વ્યક્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ હતી.
તેમની સફર એ સાબિત કરે છે કે સ્ટાઇલથી તેમને લોકપ્રિયતા મળી, જુસ્સાથી તેમને લાંબી અને યાદગાર કારકિર્દી મળી અને તેમના એવરગ્રીન અભિગમે તેમને ભારતીય સિનેમાના ટોચના કલાકારોની હરોળમાં સ્થાન અપાવ્યું.
આવો કલાકાર સદીમાં એકાદ વખત જ આવે છે. જેને જોઈને પોતાના અંદરનો અભિનેતા જાગી ઊઠે, જેને જોઈને પોતાની સ્ટાઇલ બદલવાનું મન થાય, જેને જોઈને એક જુસ્સો અને જોશીલો અંદાજ મનમાં ઘર કરી જાય, જેને જોઈને રોમાન્સ પણ વધુ રોમાન્ટિક લાગે.
દેવ આનંદ ખરેખર એવા કલાકાર હતા, જેમને જોઈને લાગતું હતું, આ છે જનતાનો અભિનેતા, જે 'જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા' અને જિંદગી પણ જાણે તેમનો સાથ નિભાવતી ચાલી ગઈ.