Mon Oct 05 2026

Logo

ભારતીય સ્ટોક માર્કેટનો મોટો આધાર બન્યા છે નાના ઈન્વેસ્ટર્સ

2026-09-27 09:23:00
Author: Jayesh Chitaliya
ભારતીય સ્ટોક માર્કેટનો મોટો આધાર બન્યા છે નાના ઈન્વેસ્ટર્સ

શૅરબજાર તૂટે છે, પરંતુ આઈપીઓ માર્કેટ ઊંચે છે...

જયેશ ચિતલિયા

વર્તમાન સમયમાં શૅરબજારમાં બોલાઈ રહેલા કડાકા વચ્ચે આઈપીઓમાં ચાલી રહેલો પોઝિટિવ પ્રવાહ મોટી આશા રહી છે. ફોરેન ઈન્વેસ્ટર્સ વેચવાલ રહેવા છતાં ભારતીય રોકાણકારો નવા વિશ્વાસ સાથે રોકાણ ચાલુ રાખવા સાથે વધારી પણ રહ્યા છે. 

આખરે એનએસઈના શૅરનું લિસ્ટિંગ થયું, કિતુ ધારણા કરતા નબળું રહ્યું, જો કે આમ તો તેની ઓફરને પણ અપેક્ષા કરતા ઓછો જ રિસપોન્સ મળ્યો હતો. હવે રોકાણકારો આ શૅરમાં કેવો રસ લે છે તે આગામી દિવસોમાં ખબર પડશે, અલબત્ત, લાંબે ગાળે આ શૅર મજબૂત બનવાનો છે અને તેવું વળતર પણ બહેતર રહેવાની આશા છે, હાલ તો અરજદારોને ધારણા નહોતી છતાં ફાળવણી થઈ, અને કયાંક તો ધારણા કરતા વધુ ફાળવણી પણ થઈ. તેઓ લિસ્ટિંગ જોઈ નિરાશ પણ થયા હશે, તેમ છતાં આ શૅરો રાખી મુકાશે તો લાંબે ગાળે ખોટમાં નહીં જાય એવું કહી શકાય. એનએસઈની હવેની નવી યાત્રામાં તેની સામે પડકારો અને તકો પણ છે. બજારમાં વારંવાર ચર્ચા છે તે એનએસઈની ઓપ્શન ટે્રડિગમાંથી થતી આવકનો હિસ્સો ઘટવાની ચિંતાની છે. જોકે અનુભવી અને એકસપર્ટ વર્ગના મતે એનએસઈ આ હકીકતથી વાકેફ છે અને સજ્જ પણ છે, જેથી એક્સચેંજે તેના બિઝનેસ પ્લાનને કયાં કેટલું જોર આપવું એ વ્યૂહરચના ઘડી જ રહ્યું હશે એવું માની શકાય. એનએસઈના ભાવ ઘટે તો પણ આ શૅર જમા કરવામાં સાર જણાય છે એવું બજારનો નિષ્ણાંત વર્ગ માને છે.

ગ્લોબલ કારણોસર (યુદ્ધ, ક્રૂડ, વ્યાજદર, અનિશ્ચિતતા સહિતના) શૅરબજારમાં છેલ્લા અમુક મહિનાઓથી ઘટાડા તરફી ટે્રન્ડ વધુ જોવા મળ્યો છે. સેન્સેકસ અને નિફટી સતત નીચે જતા જોવાયા છે. જોકે આ સંજોગોમાં આઇપીઓની માર્કેટમાં જોર દેખાયું છે, આ નવા લિસ્ટેડ થતા કે થનારા શૅર્સના ભાવતાલ ભવિષ્યમાં શું હશે એ તો સમય કહેશે. હાલ તો રિટેલ ઈન્વેસ્ટર્સ આઈપીઓની માર્કેટને સફળ બનાવી રહયા છે. તેઓ શેરબજારનાં નાણાં આઈપીઓમાં વાળી રહયા છે. રિટેલ રોકાણકારોએ જુલાઈ-ઓગસ્ટમાં શૅરબજારમાં રૂ.5674 કરોડના શૅર્સ વેચ્યા છે, જયારે કે આઈપીઓમાં રૂ.12,600 કરોડનું રોકાણ કર્યુ છે. આ  રોકાણકાર વર્ગે જૂન કવાર્ટરમાં શૅરબજારમાં રૂ. 42,700 કરોડની જંગી ખરીદી કરી હતી. જૂન કવાર્ટરમાં તેમની પ્રાઈમરી માર્કેટ (આઈપીઓ માર્કેટની) ખરીદી માત્ર 1300 કરોડ રૂપિયા જેટલી જ હતી, જેની સામે માત્ર બે મહિનામાં (જુલાઈ-ઓગસ્ટ) તેમણે પ્રાઇમરી માર્કેટમાં 12 હજાર કરોડ રૂપિયાથી વધુ રોકાણ કર્યુ હતું. બાય ધ વે, રિટેલ રોકાણકારો શૅરબજારમાંથી નાણાં છુટા કરી આઈપીઓમાં રોકતા ગયા છે. આમ કરીને તેઓ એકતરફ શૅર્સમાં પ્રોફિટ બુક કરતા રહયા અને બીજી તરફ નવી કંપનીઓના શૅર્સમાં નાણાં મુકતા રહ્યા. જેમાં નવી તકો દેખાતી હતી અને મોટાભાગના લોકો લિસ્ટિંગ ગેઈનનો લાભ લેતા રહ્યા છે. કિતુ એનએસઈના શૅરમાં આ બાબતે તેમને નિરાશા મળી એ જુદી વાત છે, પણ કમસે કમ હાલ ખોટ નથી ગઈ એ ખરું.
  
ચાલુ નાણાંકીય વરસના પાંચ મહિનામાં તેમણે સેક્નડરી માર્કેટમાં 37 હજાર કરોડ રૂપિયાથી વધુ રોકાણ કર્યુ છે અને પ્રાઈમરી માર્કેટમાં રૂ. 13900 કરોડનું, આમ તેમનું કુલ રોકાણ 50 હજાર કરોડ રૂપિયા ઉપર થયું. શૅરબજારમાં રિટેલ રોકાણકારોની સહભાગીતા સમય સાથે સતત વધતી રહી છે. બજારમાં સંસ્થાકીય અને મ્યુચ્યુઅલ ફંડસના રોકાણનો બહુ મોટો ફાળો રહ્યો છે, જેને કારણે વિદેશી રોકાણકારોના વેચાણના દબાણ હેઠળ પણ આપણી બજાર ટકી શકે છે. ભારતીય અર્થતંત્ર અને માર્કેટમાં આ બાબત એક નોંધપાત્ર વિશ્વાસની સાક્ષી પૂરે છે. જુલાઈ અને ઓગસ્ટના બે મહિનામાં 35 આઈપીઓ બજારમાં આવીને આશરે બાવન હજાર કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરી ગયા. આમ મૂડીસર્જનમાં પણ આ નાના રોકાણકારોનો ફાળો  મોટો ગણાય. જુલાઈમાં લિસ્ટિંગ ગેઈન 14 ટકા અને ઓગસ્ટમાં 29 ટકા રહ્યું એ પણ મહત્ત્વનું ગણાય.

હકીકત એ છે કે રિટેલ રોકાણકારો સિલકેટિવ બનતા જાય છે, માર્કેટના વેલ્યુએશનને વધુ સારી રીતે સમજતા થયા છે. હવે તેઓ તરત પેનિકમાં આવી જઈ બજાર સાવ છોડી દેવાને બદલે સ્માર્ટ ઈન્વેસ્ટરની જેમ કયારે નફો લઈ લેવો અને એ રકમને કયાં રોકવી એનો ઝડપી નિર્ણય લેતા થયા છે. ભારતીય મૂડીબજાર માટે સારી અને તંદુરસ્ત નિશાની કહી શકાય. અલબત્ત, મ્યુચ્યુઅલ ફંડસની ઈક્વિટી યોજનાઓ અને ખાસ કરીને એસઆઈપી (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન)માં પણ રિટેલ રોકાણકારોનો ફાળો નોંધપાત્ર ઊંચો રહ્યો છે.