Tue Oct 06 2026

Logo

ક્રૂડ તેલના ભાવ ઉછળતા ડૉલર સામે રૂપિયો 26 પૈસા ગબડીને 96ની લગોલગ

2026-09-24 20:31:19
Author: Ramesh Gohil
ક્રૂડ તેલના ભાવ ઉછળતા ડૉલર સામે રૂપિયો 26 પૈસા ગબડીને 96ની લગોલગ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ વચ્ચે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ એક તબક્કે વધીને બેરલદીઠ 106 ડૉલર સુધી ક્વૉટ થયાના અહેવાલ ઉપરાંત ક્રૂડતેલના ભાવ વધી આવતા સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ નોંધપાત્ર કડાકો બોલાઈ જતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 26 પૈસા ગબડીને 96ની સપાટીની લગોલગ 95.99ના મથાળે બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર આજે ક્રૂડતેલના ભાવ વધી આવતા ડૉલર ઈન્ડેક્સમાં સુધારો અને અમેરિકી બૉન્ડની યિલ્ડ પણ વધી આવી હોવાથી ગબડતાં રૂપિયાને વધુ ઢાળ મળ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.73ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.84ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.99 અને ઉપરમાં 95.80 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 26 પૈસાના ઘટાડા સાથે સત્રની નીચી 95.99ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 11 પૈસાનો ઘટાડો આવ્યો હતો. 

વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં વધારો, ડૉલરમાં મજબૂત વલણ અને ફુગાવામાં વધારાની શક્યતાને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતા તાજેતરમાં ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હોવાનું ચોઈસ બ્રોકિંગનાં કૉમૉડિટી અને કરન્સી વિભાગનાં વિશ્લેષક આમિર માકદાએ જણાવતા ઉમેર્યું હતું

કે અમેરિકામાં પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સના ડેટા વધી આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતા વધી જતાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ 15 બેસિસ પૉઈન્ટ વધી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. અમારા મતે આગામી ટૂંકા સમયગાળા માટે રૂપિયામાં 96ની સપાટી પ્રતિકારક સપાટી અને 95.43ની સપાટી ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.18 ટકા વધીને 100.99 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 2.74 ટકા વધીને બેરલદીઠ 105.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 1247.71 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 383.70 પૉઈન્ટનો કડાકો બોલાઈ જવાથી રૂપિયામાં પીછેહઠ જળવાઈ રહી હતી. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1617.45 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું, પરંતુ તેની બજાર પર ખાસ અસર નહોતી જોવા મળી, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.