ન્યૂ યોર્કઃ ભારત અને રશિયાની મિત્રતા વર્ષો જૂની છે, રશિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે વારંવાર ભારતને સમર્થન આપ્યું છે. કોઈ પણ સ્થિતિ હોય રશિયાએ ભારતની મદદ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાયમી સભ્યપદ મેળવવા માટેના ભારતના પ્રયાસોને મોટું આંતરરાષ્ટ્રીય બળ મળ્યું છે. ન્યૂયોર્કમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરતી વખતે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવાની પુરજોશ વકીલાત કરી છે.
પશ્ચિમી દેશોના વિસ્તાર સામે રશિયાનો વિરોધ
પોતાના સંબોધનમાં સર્ગેઈ લાવરોવે સ્પષ્ટ કર્યું કે, UNSC સુધારાનો અર્થ એવો ન હોવો જોઈએ કે પશ્ચિમી દેશોને વધુ સ્થાન મળે. તેમણે પશ્ચિમી રાષ્ટ્રોના વર્ચસ્વની ટીકા કરતા જણાવ્યું કે, જર્મની અને જાપાન જેવા દેશોને વધારાની કાયમી બેઠકો આપવી યોગ્ય નથી. રશિયાના મતે, વૈશ્વિક નિર્ણય પ્રક્રિયામાં સંતુલન જાળવવા માટે પશ્ચિમ સિવાયના ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ વધારવું અનિવાર્ય છે.
'ગ્લોબલ સાઉથ' નો અવાજ મજબૂત કરવાની અપીલ
રશિયન વિદેશ પ્રધાને કહ્યું કે, રશિયા એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના વિકાસશીલ દેશોને યુએનમાં યોગ્ય સ્થાન આપવા તરફી છે. આ જ નીતિ હેઠળ મોસ્કો એશિયામાંથી ભારત અને લેટિન અમેરિકામાંથી બ્રાઝિલની કાયમી સભ્યપદની ઉમેદવારીનું સંપૂર્ણ સમર્થન કરે છે. આ ઉપરાંત તેમણે આફ્રિકન ખંડના હિતોને પણ નવી સુરક્ષા પરિષદની રચનામાં સામેલ કરવાનો અનુરોધ કર્યો હતો.
𝐑𝐮𝐬𝐬𝐢𝐚 𝐬𝐭𝐫𝐨𝐧𝐠𝐥𝐲 𝐛𝐚𝐜𝐤𝐬 𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐜𝐥𝐚𝐢𝐦 𝐟𝐨𝐫 𝐩𝐞𝐫𝐦𝐚𝐧𝐞𝐧𝐭 𝐬𝐞𝐚𝐭 𝐢𝐧 𝐔𝐍 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 𝐂𝐨𝐮𝐧𝐜𝐢𝐥
— All India Radio News (@airnewsalerts) September 27, 2026
▪️Russian Foreign Minister Sergey Lavrov has strongly backed India's claim for a permanent seat in the UNSC.
▪️In his address at UN… pic.twitter.com/wAINMeJow4
UNSC સુધારા શા માટે જરૂરી?
હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 5 કાયમી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, યુકે અને યુએસ પાસે વીટો પાવર છે, જ્યારે 10 અસ્થાયી સભ્યો બે વર્ષ માટે ચૂંટાય છે. ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્ય બનાવવાની માંગણીઓ 1990ના દાયકાથી ચાલી રહી છે. સુરક્ષા પરિષદમાં સુધારા અંગેની ઔપચારિક ચર્ચાઓ 2008માં સંયુક્ત રાષ્ટ્રમાં શરૂ થઈ હતી. 2010માં, ભારતે બ્રાઝિલ, જર્મની અને જાપાન સાથે મળીને 'G4' જૂથની રચના કરી કાયમી બેઠક માટેની પોતાની દાવેદારી રજૂ કરી હતી. જોકે આજે પણ આ મુદ્દો ઉઠાવવામાં આવે છે, તેમ છતાં સુરક્ષા પરિષદના સભ્ય દેશો વચ્ચે તેના નવા માળખા અંગે કોઈ સર્વસંમતિ સાધી શકાઈ નથી.