Wed Jul 29 2026

Logo

કચ્છના ૬૫ ટકા ડેમ હજુય ખાલીખમ: જળસંકટ ઉકેલવા વરસાદના સાર્વત્રિક રાઉન્ડની જરૂરિયાત

2026-07-29 10:44:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ  કચ્છમાં અડધો અષાઢ વીતી ગયા છતાં સંતોષકારક વરસાદ ન વરસતાં જિલ્લામાં જળસંકટની સ્થિતિ ઘેરી બની છે. અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ માત્ર ૧૯ ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે, જે સમગ્ર રાજ્યના તમામ ઝોનમાં સૌથી ઓછો છે. પૂરતા વરસાદના અભાવે જિલ્લાના મધ્યમ અને નાની સિંચાઈના કુલ ૧૯૦ પૈકી ૬૫ ટકા ડેમો હાલ તળિયાઝાટક બન્યા છે.

મધ્યમ સિંચાઈ યોજના હેઠળના કાયલા, સાનધ્રો, રુદ્રમાતા અને ડોણ જેવા મુખ્ય ડેમો સાવ ખાલીખમ થઈ ગયા છે. હાલ મધ્યમ કક્ષાના ડેમોમાં માત્ર ૨૫ ટકા અને નાની સિંચાઈના ડેમોમાં ૧૨ ટકા જેટલો જ જળસંગ્રહ બાકી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં નવી આવક ન થતાં અને વપરાશ વધતાં જળસ્તરમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. તાલુકાવાર સ્થિતિ જોઈએ તો માત્ર રાપર અને ભચાઉમાં કંઈક અંશે સારો વરસાદ થતાં નવા પાણીની આવક થઈ છે, જ્યારે બાકીના આઠ તાલુકાઓમાં સ્થિતિ ચિંતાજનક છે.

હાલમાં વરસેલો ધીમીધારનો વરસાદ ખેતી માટે થોડો આશ્વાસનરૂપ રહ્યો છે, પરંતુ ડેમ-તળાવોને છલકાવવા માટે ભારે વરસાદનો એક સાર્વત્રિક રાઉન્ડ અત્યંત જરૂરી બન્યો છે. 

ભૂતકાળમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ સારો રહ્યો હોવાના અનુભવોને આધારે હવે માલધારીઓ, ખેડૂતો અને ગ્રામજનો આગામી દિવસોમાં સર્જાનારી વરસાદી સિસ્ટમ પર મીટ માંડીને બેઠા છે.

(ઉત્સવ વૈદ્ય)