અમદાવાદઃ રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં 30 જુલાઈથી આખું અઠવાડિયું ધોધમાર વરસાદ પડશે.
પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી
પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદના નવા ધમાકેદાર રાઉન્ડની આગાહી કરતાં જણાવ્યું કે, હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ઓડિશા લેન્ડ થઈ ચુકી છે. આ સિસ્ટમ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ 30 જુલાઈના રોજ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. જેના કારણે 30 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી આખું અઠવાડિયું વરસાદી માહોલ જામશે. આ રાઉન્ડમાં રાજ્યના 90 ટકા ભાગમાં ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત પરેશ ગોસ્વામીએ કહ્યું, સિસ્ટમના ટ્રફને જોતા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ જેમ જેમ નજીક આવશે તેમ વરસાદની તીવ્રતા અને વિસ્તારનો ચોક્કસ અંદાજ આવશે.
આવતીકાલથી જ જામવા લાગશે વરસાદી માહોલ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શુક્રવાર અને શનિવારે અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ગુરુવારથી જ વરસાદી માહોલ જામવાનું શરૂ થશે. જેમાં નર્મદા, તાપી અને ડાંગમાં અલગ-અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બાકીના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
શુક્રવાર સુધીમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનશે. IMD એ છોટાઉદેપુર અને નર્મદાના અલગ-અલગ ભાગોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દરમિયાન, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે 'યલો અર્લટ' જાહેર કરવામાં આવ્યું છે.