Wed Jul 29 2026

Logo

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો આતંક, બાળકીનું મોત, ક્યા ગામમાં થયું મોત ?

2026-07-29 11:19:00
Author: Mayur Patel
Article Image

મહેસાણાઃ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો આતંક  સામે આવ્યો છે. બહુચરાજીના દેલવાડા(ખાંટ) ગામની બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત થયું હતું. મહેસાણા જિલ્લામાં ચાદીપુરા વાયરસથી પ્રથમ મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

માતાનું હૈયાફાટ રૂદન

મળતી વિગત પ્રમાણે, મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના દેલવાડા (ખાંટ) ગામની બાળકીનું ગત રાત્રે વડનગરની સિવિલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. 4 વર્ષની બાળકીને 26 જુલાઈએ અચાનક સખત તાવ અને ઊલટીઓ થવા લાગી હતી. પરિવારે તેને તરત જ મહેસાણાની ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. લક્ષણો શંકાસ્પદ લાગતાં બાળકીના લોહીના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલાયા હતા. સોમવારે રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસ હોવાની પુષ્ટિ થતાં જ તેને વધુ સારી સારવાર માટે વડનગર સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, ડૉક્ટરોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાઈ નહોતી. વ્હાલસોયીના મોતથી પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. માતાએ તેની દીકરીના મોતથી હૈયાફાટ રૂદન કરતાં માહોલ ગમગીન બની ગયો હતો.

જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી આ પહેલું મોત હોવાથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.  ટીમે બાળકીના ઘર સહિત આખા ગામમાં ફરીને લોકોના સ્વાસ્થ્યની તપાસ  કરી હતી. આ વાયરસ વધુ ન ફેલાય તે માટે સમગ્ર ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો.

ચાંદીપુરા વાયરસ શેનાથી ફેલાય છે?

ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય  નામની અત્યંત નાની માખી કરડવાથી ફેલાય છે. આ ઘાતક માખીઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના કાચા ઘરોની દીવાલોની તિરાડો, છિદ્રો અને ભેજયુક્ત લીંપણવાળા વાતાવરણમાં જોવા મળે છે. આવી જગ્યાએ જ આ ચેપ ફેલાવતી માખીઓ ફુલેફાલે છે. 

આ ચેપી રોગનાં લક્ષણો
આ રોગમાં બાળકને શરૂઆતમાં અચાનક તીવ્ર તાવ આવે છે. તાવ આવ્યા બાદ સતત ઝાડા ઉલ્ટી થવી, શરીરમાં ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. પરિસ્થિતિ વધુ બગડતાં બાળક અર્ધબેભાન કે સંપૂર્ણ બેભાન  પણ થઈ શકે છે. આ લક્ષણો એટલા ઝડપી અને ઘાતક હોય છે કે જો આવા લક્ષણો દેખાયાના 24 થી 48 કલાકની અંદર તાત્કાલિક તબીબી સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ થવાનું જોખમ પણ રહેલું છે.

કેવી સાવચેતી રાખવી ?
- ઘરની અંદર અને બહારની દીવાલોની તિરાડો અને છિદ્રોને સિમેન્ટ કે માટીથી પૂરી દેવા. 
- ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ અને હવા-ઉજાસ મળી રહે તેવી વ્યવસ્થા કરો. 
- 15 વર્ષ સુધીના બાળકોને રાત્રે અને સૂતી વખતે જંતુનાશક મચ્છરદાનીમાં જ સુવડાવો. 
- જો બાળકને તાવ, ઉલ્ટી, ખેંચ જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકની મેડિકલ કોલેજ હોસ્પિટલ/ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા. 
- આરોગ્ય તંત્રની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક પ્રક્રિયા હેઠળ ઘરોમાં ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ  કરવું. 

કઇ કઇ બાબતો ટાળવી ?
- બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂળ/માટીમાં રમવા દેવા નહીં. ચેપ ફેલાવતી માખીઓ આ જગ્યાઓએ વધુ સક્રિય હોય છે. 
- ઘરની આસપાસ કચરો કે ભેજ થવા દેવો નહીં. 
- લક્ષણો જણાય ત્યારે ઘરગથ્થુ ઉપચારમાં સમય બિલકુલ બગાડવો નહીં. 
  
ચાંદીપુરા વાયરસ ક્યાંથી આવ્યો ?

સૌપ્રથમ આ વાયરસ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં તાવથી પીડાતા બે દર્દીઓના લોહીના નમૂનામાંથી મળ્યો હતો. જેના કારણે આ વાયરસનું નામ ચાંદીપુરા જ રાખવામાં આવ્યું. 2003માં આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં આ વાયરસનો મોટો રોગચાળો ફેલાયો હતો. જેની સૌથી વધારે અસર બાળકોમાં જોવા મળી હતી. જેમાં કેટલાક બાળકોના મૃત્યુ પણ થયા હતા. 2014 અને પછીના સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર, ગુજરાત અન્ય રાજ્યોમાં ચાંદીપુરાનાં છૂટાછવાયા કેસો નોંધાયા હતા.