ગ્લાસગો, સ્કોટલેન્ડઃ ગ્લાસગો ખાતે હાલમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન ગૃહ રાજ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી છે. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા મોટું નિવેદન આપ્યું છે. વર્ષ 2030માં અમદાવાદ ખાતે રમાનારી ઐતિહાસિક કોમનવેલ્થ ગેમ્સ માટેની તૈયારીઓએ જોર પકડ્યું છે. ગુજરાત સરકાર આ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત મંડળો અને સંસ્થાઓ સાથે મળીને તીવ્રતાથી કામ કરી રહી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
ગ્લાસગોમાં 'અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર'નો પ્રારંભ
ગ્લાસગો ગેમ્સ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કાલે સાંજે થઈ રહ્યું છે. વિશ્વભરના વિવિધ દેશોના રમતગમત ફેડરેશન અને રમતવીરો ત્યાં આયોજિત થશે. અહીં વિશ્વભરના સ્પોર્ટ્સ ફેડરેશનો અને એથ્લેટ્સ ભેગા થશે. આ સેન્ટર દ્વારા ગુજરાત અને ભારતની સંસ્કૃતિ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વસ્તરીય સુવિધાઓની ઝાંખી રજૂ કરવામાં આવશે."
વધુમાં કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આ શતાબ્દી આવૃત્તિ ભારત અને અમદાવાદ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. આ ગેમ્સ સિવાય પણ અમદાવાદમાં આગામી સમયમાં અનેક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સનું આયોજન થવાનું છે, જેથી 2036ના ઓલિમ્પિક્સની ભારતની દાવેદારી વધુ મજબૂત થશે. નોંધનીય છે કે, આ વર્ષે એપ્રિલ માસમાં કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રૂકારેના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને અમદાવાદના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરી હતી. મૂળ વાત એ છે, ગુજરાત હવે આંતરરાષ્ટ્રીય રમતોની મેજબાની કરવા માટે સજ્જ છે તેવું સાબિત થઈ રહ્યું છે.
From diplomacy to specialised training, every step is building India's readiness for CWG Ahmedabad 2030.#CWG2026 #Cheer4Bharat pic.twitter.com/HfdniZU4ZJ
— Harsh Sanghavi (@sanghaviharsh) July 28, 2026
ટીમ ઇન્ડિયાનું ગ્લાસગોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની ગ્લાસગો મુલાકાત અંગે વાત કરતા ભારતીય રમતવીરોના ઉત્સાહની પ્રશંસા કરી હતી. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં 11 મેડલ જીત્યાં છે. જેમાં 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ ભારતીય ખેલાડીઓએ પોતાના નામે કર્યા છે.
કોણે ગોલ્ડ મેડલ જીત્યાં?
ભારતીય ખેલડીઓના પ્રદર્શનની વાત કરવામાં આવે તો, મીરાબાઈ ચાનુ (વેઇટલિફ્ટિંગ) અને શર્મિલા ધનખડ (મહિલા શોટપુટ F57)એ ગોલ્ડ મેડલ જીત્યાં છે. જ્યારે વેઇટલિફ્ટિંગમાં ઋષિકાંત સિંહ, મુથુપાંડી રાજા, જ્ઞાનેશ્વરી યાદવ, હરજિંદર કૌર, વલ્લુરી અજય બાબુ અને હાઈ જમ્પમાં સર્વેશ કુશારે સિલ્વર મેડલ જીત્યાં છે. બિંદિયારાણી દેવીએ વેઇટલિફ્ટિંગમાં, શિલ્પા કે. શાઈલાએ શોટપુટ F57માં અને ઝંડુ કુમારે પેરા પાવરલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.