Mon Sep 07 2026

Logo

અમદાવાદના હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભવ્ય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે જન્માષ્ટમીની ઉજવણી થઈ

2026-09-05 14:54:00
Author: Mumbai Samachar Team
અમદાવાદના હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભવ્ય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે જન્માષ્ટમીની ઉજવણી થઈ

અમદાવાદઃ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિર ખાતેની જન્માષ્ટમીની ઉજવણી તેની વિશિષ્ટતા અને ભક્તો માટેના આધ્યાત્મિક તથા ભાવનાત્મક અનુભવ માટે જાણીતી છે. મહા અભિષેક, ઝુલન ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણ રથ ઉત્સવ વગેરે દ્વારા સમગ્ર ઉત્સવ વધુ ભવ્ય અને આકર્ષક બન્યો હતો.

આ પ્રસંગે વિવિધ પ્રકારની મીઠાઈઓ, દૂધની વાનગીઓ, ફરસાણ વગેરે સહિત 1008થી વધુ પ્રકારની વાનગીઓ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવી અને ભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવી. આ ઉપરાંત 151 કિલોગ્રામ વજનની વિશેષ શુદ્ધ શાકાહારી કેક પણ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી.

આ જન્માષ્ટમી નિમિત્તે હરેકૃષ્ણ મંદિરના  શ્રી રાધા માધવને સુગંધિત અને મનમોહક વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. ભગવાનને ભક્તો દ્વારા વિશેષ રીતે તૈયાર કરાયેલ શુદ્ધ રેશમી વસ્ત્રો અને પથ્થરોથી શણગારવામાં આવ્યા હતા. દેવવિગ્રહના વસ્ત્રોને અનુરૂપ કિંમતી અને રત્નજડિત પથ્થરોના નવા આભૂષણો વૃંદાવનથી તૈયાર કરાવવામાં આવ્યા હતા. રંગ, ડિઝાઇન અને સામગ્રી અંગે છેલ્લા બે મહિનાથી વિશેષ આયોજન અને વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે દેવવિગ્રહના દિવ્ય દર્શન ભક્તો માટે વિશેષ આનંદનો વિષય રહ્યા. સમગ્ર મંદિરને ભારતના વિવિધ ભાગોમાંથી લાવવામાં આવેલા સુગંધિત અને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું હતું.  સમગ્ર દિવસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ માટે ઝુલન સેવા અર્પણ કરવામાં આવી હતી.

આશરે પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય સમયે મહારાજ નંદ અને માતા યશોદાએ દૂધ, ઘી, મધ વગેરે જેવા મંગલકારી પદાર્થોથી બાલકૃષ્ણને સ્નાન કરાવ્યું હતું. એ જ ભાવનાને અનુસરીને હરેકૃષ્ણ મંદિર, ભાડજના ભક્તોએ શ્રી શ્રી રાધા માધવના દેવવિગ્રહોનો વિશેષ અભિષેક કર્યો. પંચગવ્ય, ઔષધીય વનસ્પતિઓ, ફળોના રસ અને પુષ્પો સહિત વિવિધ મંગલકારી પદાર્થોથી દેવવિગ્રહોને અભિષેક કરવામાં આવ્યો. આ અભિષેકની વિશેષતા એ હતી કે સાત પવિત્ર નદીઓમાંથી એકત્રિત કરવામાં આવેલા જળથી ભરેલા 108 કળશ દ્વારા ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો. મધ્યરાત્રિએ પરંપરાગત દીવાઓ સાથે ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે રાત્રે 12:00 વાગ્યે સંકીર્તન સાથે ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી.

આજ રોજ નંદોત્સવ અને વ્યાસ પૂજાની ઉજવણી કરવામાં આવી હતી.  આચાર્ય શ્રીલ પ્રભુપાદનો પ્રાગટ્ય નંદોત્સવના દિવસે, એટલે કે જન્માષ્ટમીના બીજા દિવસે થયો હોવાથી આ દિવસની વ્યાસ પૂજા મહોત્સવ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.  રાજ્ય અને શહેરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ મંદિરની મુલાકાત લઈ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો અને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.