ભુજ: કચ્છ જિલ્લામાં વરસાદના વિરામ વચ્ચે ધૂપ-છાંવનો માહોલ છવાયેલો રહ્યો છે. વાદળો અને તડકાની સંતાકૂકડી વચ્ચે મહત્તમ તાપમાન ઊંચકાતાં લોકોએ ભારે ઉકળાટ અને ગરમીનો અનુભવ કર્યો હતો. ભુજમાં તાપમાન 34 ડિગ્રી અને કંડલા (એરપોર્ટ)માં 34.2 ડિગ્રી નોંધાયું હતું.
દરમ્યાન, અબડાસા તાલુકામાં હજુ સુધી પૂરતો વરસાદ ન પડતાં ખેડૂતો અને માલધારીઓમાં ચિંતા વ્યાપી છે. જખૌ બંદર પર કાળાં ડિબાંગ વાદળો ઘેરાય છે પરંતુ વરસ્યા વિના પસાર થઈ જતાં મેઘરાજા હાથતાળી આપી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમની અસર હેઠળ આગામી 31 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન કચ્છમાં વરસાદનો વિસ્તાર અને તીવ્રતા વધવાની શક્યતા છે. શુક્રવારથી રવિવાર દરમિયાન મધ્યમથી ભારે વરસાદ વરસવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાતોના મતે, ખાસ કરીને કાંઠાળ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહી શકે છે. હાલ આગામી બે-ત્રણ દિવસ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાં સાથે વરાપનો માહોલ રહેશે.
(ઉત્સવ વૈદ્ય)