રાજ્યમાં ભારે વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. અમદાવાદમાં વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓને સુરતના ધોરણે સહાય આપવાની જાહેરાત સાથે ફોટો-વિડિયોના આધારે અરજી કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ઘણા વિસ્તારોમાં દુકાનો, લારી-ગલ્લા, વેપારિક એકમો અને અન્ય મિલકતોને નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં વરસાદથી અસરગ્રસ્ત લોકોને રાહત આપવા અંગે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં વરસાદથી નુકસાન વેઠનારા વેપારીઓ માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે.
કેબિનેટના નિર્ણય મુજબ અમદાવાદમાં વરસાદના કારણે નુકસાન ભોગવનારા વેપારીઓને હવે સુરતમાં અપાયેલી સહાયના જ ધારાધોરણ મુજબ સહાય ચૂકવવામાં આવશે. એટલે કે સુરતમાં વરસાદી નુકસાન બાદ જે નિયમો અને માપદંડના આધારે સહાય આપવામાં આવી હતી, તે જ તમામ નિયમો અમદાવાદ માટે પણ લાગુ રહેશે. આ નિર્ણયથી શહેરના હજારો વેપારીઓ, દુકાનદારો તેમજ લારી-ગલ્લા ધારકોને સીધો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લારી-ગલ્લાવાળાઓ અને દુકાનદારો માટે રાજ્ય સરકારે 'આર્થિક પુનઃવસન સહાય પેકેજ'ની જાહેરાત કરી છે. આ પેકેજ અંતર્ગત અસરગ્રસ્તોને 7,500 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની સીધી રોકડ સહાય અને મોટી દુકાનોના કિસ્સામાં 10 લાખ રૂપિયા સુધીની વ્યાજ સહાય ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણય અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતનું આર્થિક હૃદય ગણાતા અમદાવાદના વેપારીઓને ફરીથી બેઠા કરવા અને તેમનો ધંધો-રોજગાર ધબકતો કરવા સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. વરસાદના કારણે જે નાના માણસો અને સ્વરોજગાર મેળવતા નાગરિકોને આર્થિક ફટકો પડ્યો છે, તેમની પડખે સરકાર ઊભી છે. આ જ હેતુથી લારી/રેકડી, નાની-મોટી કેબિન અને પાકી દુકાન ધરાવતા લોકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે. જ્યારે છેલ્લા ત્રિમાસિક ગાળાનું GST રિટર્ન ભર્યું હોય તેવી મોટી પાકી દુકાનો માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન અને વ્યાજ સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિડિયોના આધારે સહાય માટે અરજી કરી શકશે
સરકારે સહાય મેળવવાની પ્રક્રિયા પણ સરળ બનાવી છે. વેપારીઓ વરસાદથી થયેલા નુકસાનના ફોટા અને વિડિયોના આધારે સહાય માટે અરજી કરી શકશે. આ ઉપરાંત નુકસાનનું સ્થળ પર સર્વે પણ કરવામાં આવશે, જેથી નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને પાત્ર લાભાર્થીઓને સહાય ચૂકવી શકાય. સરકારનું કહેવું છે કે ફોટો-વિડિયો સાથેના પુરાવા અને સર્વેના આધારે સહાયની પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે.
કામગીરી કરીને વીજળી પૂર્વવત કરવામાં આવી
બીજી તરફ ભારે વરસાદ દરમિયાન પણ રાજ્યના ઉર્જા વિભાગે વીજ પુરવઠો જાળવી રાખવા માટે સતત કામગીરી કરી હતી. વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ દરમિયાન રાજ્યના કુલ 1,997 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી, પરંતુ ઝડપી કામગીરીના કારણે મોટાભાગના વિસ્તારોમાં વીજ સેવા ટૂંકા સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
વરસાદના કારણે માત્ર પાંચ જેટલા ટ્રાન્સફોર્મરને અસર થઈ હતી, જેને પણ તાત્કાલિક મરામત કરીને કાર્યરત બનાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં 3,400થી વધુ વીજ કર્મચારીઓ સતત મેદાનમાં રહીને સેવા આપી રહ્યા હતા. ભારે વરસાદ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ વીજ કર્મચારીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી તમામ સાવચેતીઓનું પાલન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારનું કહેવું છે કે વરસાદથી અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી વહેલી તકે રાહત મળે અને જનજીવન સામાન્ય બને તે માટે તમામ વિભાગો સંકલન સાથે કામગીરી કરી રહ્યા છે.