Wed Jul 29 2026

Logo

પૂરની સ્થિતિ અને વરસતા વરસાદમાં 108ની ટીમે 75 સગર્ભાને પ્રસૂતિમાં મદદ કરી

2026-07-29 17:58:28
Author: Pooja Shah
Article Image

Social Media


અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને કારમે પુરની સ્થિતિ સર્જાઈ હતી. આને કારણે રસ્તા બંધ, વીજલાઈનોને અસર થઈ હતી અને એક સ્થળેથી બીજે સ્થળે જવું એક પડકાર બન્યો હતો. આવી સ્થિતિમાં જે પરિવારોમાં સગર્ભા સ્ત્રીઓ હોય તેમની માટે મુશ્કેલીઓ વિશેષ હતી, પરંતુ આવી સ્થિતિમાં પણ 108ની ટીમ આ પરિવારોની મદદે આવી હતી. મળતી માહિતી અનુસાર છેલ્લા પાંચ દિવસમાં 75 પ્રસૂતિ સંબંધિત ઈમરજનેસીમાં 108ની ટીમે મદદ પહોંચાડી હતી. 

આવી જ એક બચાવ કામગીરી 25 જુલાઈના રોજ ધોળકાના ત્રાંસદ ગામમાં થઈ હતી, જ્યાં 20 વર્ષીય ગર્ભવતી મહિલાને પ્રસૂતિ પીડા થઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે એમ્બ્યુલન્સ તેના ઘરે પહોંચી શકી ન હતી. ગામમાં પહોંચ્યા પછી,  108ની ટીમ, જેમાં ડ્રાઇવર, એક ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે, પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થઈને તેમનાં સુધી પહોંચી. ત્યારબાદ તેમણે મહિલાને સ્પાઇન બોર્ડ પર લઈ ગયા, જે સામાન્ય રીતે કરોડરજ્જુની ઇજાઓવાળા દર્દીઓ માટે વપરાય છે, તેને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી. ત્યારબાદ ધોળકાના આરોગ્ય કેન્દ્રમાં તેણે નોર્મલ ડિવિલરી દ્વારા બાળકને જન્મ આપ્યો, તેમ અધિકારીએ જણાવ્યું હતું. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા અમુક દિવસથી સતત ભારેથી અતિ ભારે વરસાદને કારણે રાજ્યના અનેક ભાગોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને પરિવહન ખોરવાઈ ગયું છે, જેના કારણે ગર્ભાવસ્થા સંબંધિત ઇમરજન્સી કોલ્સમાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, 108ની ટીમોએ પ્રસૂતિ પીડાતી મહિલાઓને હોસ્પિટલોમાં પહોંચાડી હતી અથવા લગભગ 75 કેસમાં તબીબી સુવિધા સુધી પહોંચે તે પહેલાં પ્રસૂતિમાં મદદ કરી હતી.

અન્ય એક ઘટનામાં, કોઠ જવાનો રસ્તો પૂરના પાણીથી બંધ થઈ ગયો હતો, જેના કારણે ગાંગડ ગામ નજીક એક માત્ર વીસ વર્ષની મહિલા પાસે હૉસ્પિટલ પહોંચવાનો કોઈ રસ્તો ન હતો. આથી 108ની ટીમે પ્રસૂતિ કરાવી હતી અને ત્યારબાદ શક્ય બન્યુ ત્યારે તેમને વધુ સંભાળ મટે હૉસ્પિટલે પહોંચાડ્યા હતા.