ભુજ : ગુજરાતમાં ભુજની ખાસ એનડીપીએસ કોર્ટે પંજાબથી રૂપિયા 2.10 કરોડની કિંમતનું 420 ગ્રામ હેરોઈન કચ્છમાં ઉંચા ભાવે વેચવા માટે આવેલા પાંચ પંજાબી યુવકોને 10 વર્ષના સખ્ત કારાવાસ અને પ્રત્યેકને બે-બે લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે.
વર્ષ 2023માં પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડ્યો હતો
આ અંગે મળેલી માહિતી મુજબ ત્રણ વર્ષ અગાઉ 13 જુલાઈ 2023ના રોજ પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે માધાપર નજીક નળવાળા સર્કલ પાસે ફિલ્મી ઢબે દરોડો પાડ્યો હતો. એસઓજીએ આરોપીઓની બ્રેઝા કારનો પીછો કરી ટાયરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને ઘટનાસ્થળેથી ત્રણ આરોપીઓને કારમાં બેઠેલી હાલતમાં ઝડપી લીધા હતા.જ્યારે ભાગી છૂટેલા અન્ય બે આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લેવામાં આવ્યા હતા.
એસઓજીએ કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હતી
આ કેસની તપાસ એસઓજીના દ્વારા કરવામાં આવી હતી. તેમજ એસઓજીએ કોર્ટ સમક્ષ 31 દસ્તાવેજી પુરાવા અને 10 સાક્ષીઓની જુબાની સાથે મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.
મામ આરોપી પંજાબના તરનતારન જિલ્લાના વિવિધ ગામના રહેવાસી
તેમજ બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને એનડીપીએસ કોર્ટના ખાસ જજે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ આરોપીઓમાં રનજીતસિંઘ જગ્ગીરસિંઘ જાટ (ઉં.વ. ૩૦), હરપ્રીતસિંઘ જસવિન્દરસિંઘ જાટ (ઉં.વ. ૨૭), સરતાજસિંઘ ઉર્ફે સતરાજસિંઘ રસપાલસિંઘ જાટ (ઉં.વ. ૪૨), દલેરસિંઘ જોગિન્દરસિંઘ જાટ (ઉં.વ. ૪૭) અને ગુરબેજસિંઘ ઉર્ફે ભેજા સલવિન્દરસિંઘ જાટ (ઉં.વ. ૩૪)નો સમાવેશ થાય છે. આ તમામ આરોપી પંજાબના તરનતારન જિલ્લાના વિવિધ ગામના રહેવાસી છે.
કોર્ટે સખત ટિપ્પણી કરી હતી
કોર્ટે એનડીપીએસ એક્ટની કલમ 8 (સી), 22 (સી) અને 29 હેઠળ પાંચેય આરોપીઓને 10 વર્ષની કેદ અને રૂ. 2-2 લાખના દંડની સજા સંભળાવી હતી. ચુકાદો આપતાં કોર્ટે સખત ટિપ્પણી કરી હતી કે,આરોપીઓએ અંગત આર્થિક ફાયદા માટે એકસંપ થઈ યુવાનોને ગંભીર વ્યસનમાં ધકેલવાનું કૃત્ય કર્યું છે, જેને સામાન્ય ગણી શકાય નહીં.
કુલદીપસિંઘ નામનો છઠ્ઠો આરોપી હજુ નાસતો ફરતો
ઉલ્લેખનીય છે કે, આરોપીઓ પંજાબના કુલદીપસિંઘ નામના શખ્સ પાસેથી હેરોઈન ખરીદીને કચ્છમાં વેચવા આવ્યા હતા. આ કેસમાં કુલદીપસિંઘ નામનો છઠ્ઠો આરોપી હજુ પણ નાસતો ફરતો હોવાનું સામે આવ્યું છે.
(ઉત્સવ વૈધ)