ભુજ: સીમાવર્તી રાપર તાલુકાના ગાગોદર નજીક હોટેલના પાર્કિંગમાં ઊભેલા ટ્રેઇલરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ ઝડપેલા રૂપિયા ૪૮.૩૫ લાખના વિદેશી દારૂના પ્રકરણમાં સ્થાનિક બુટલેગર અને તેના સાગરીતની સંડોવણી સામે આવી છે. નામદાર કોર્ટમાંથી મંજૂર થયેલા સાત દિવસના રિમાન્ડ દરમિયાન પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં માંડવીના દરશડી ગામના લિસ્ટેડ બુટલેગર અનિલસિંહ જાડેજાનું નામ ખૂલતાં પોલીસે તેના એક સાગરીતને દબોચી લીધો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગાગોદર પાસે આવેલી હોટેલના પ્રાંગણમાંથી એસ.એમ.સી.ની ટીમે રાજસ્થાનના શ્રવણકુમાર મેઘવાળ અને ચેનારામ જાટને રૂપિયા ૪૮ લાખથી વધુની કિંમતના દારૂ સાથે ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, રાજસ્થાનના નારાયણ દિપારામ જાટ નામના શખ્સે આ દારૂનો જથ્થો માંડવીના દરશડીના અનિલસિંહ લખુભા જાડેજાને પહોંચાડવા મોકલ્યો હતો. આ દારૂનો જથ્થો મેળવવા માટે અનિલસિંહ વતી તેનો સાગરીત જયેશ વેલજી સોલંકી આવવાનો હતો.
આ કેફિયતના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને દરશડીના જયેશ સોલંકીની ધરપકડ કરી લીધી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, ચાલક શ્રવણકુમાર અગાઉ પણ દારૂની ખેપ મારી ચૂક્યો છે અને જયેશ સોલંકી પહેલા પણ દારૂનો જથ્થો મેળવી ગયો હતો. હાલ પોલીસે જયેશની અટકાયત કરી, મુખ્ય સૂત્રધાર એવા લિસ્ટેડ બુટલેગર અનિલસિંહ જાડેજાને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કર્યા છે.
(ઉત્સવ વૈદ્ય)