બેંગલુરુઃ કર્ણાટક રાજ્ય એઇડ્સ નિવારણ સોસાયટી (KSAPS) દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, જેના કારણે અત્યારે દેશભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. KSAPS દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ કર્ણાટક સરકારે રાજ્યભરમાં HIV કેમ્પ શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે 7000 થી વધારે વિદ્યાર્થીઓ HIV પોઝિટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની તમામ કોલેજોમાં HIV ટેસ્ટ કરવામાં આવશે અને કાઉન્સલિંગ પણ કરવામાં આવશે કેવી જાહેરાત કરવામાં આવી છે.
નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ્સ પ્રમાણે HIV થી પ્રભાવિત લોકોની સંખ્યામાં કર્ણાટક રાજ્ય ભારતમાં ત્રીજા સ્થાને આવે છે. અત્યારે આખા રાજ્યમાં 2.60 લાખ લોકો HIV પોઝિટિવ હોવાનો ખુલાસો થયો છે. આમાંથી 2.05 લાખ અત્યારે સારવાર પણ કરાવી રહ્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે, આમાંથી 54 લાખ લોકોને હજી ખબર પણ નથી કે તેઓ HIV પોઝિટિવ છે! રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે આ ખરેખર ચિંતાનો વિષય બની ગયો છે.
નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં મોટો ખુલાસો
આંકડાની વાત કરવામાં આવે તો, રાજ્યમાં HIVનું સંક્રમણ સૌથી વધારે 18 થી 35 વર્ષની લોકોમાં વધી રહ્યું છે. નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2023-24માં 18 થી 35 વર્ષના 44,500થી વધારે લોકો HIV પોઝિટિવ આવ્યાં હતાં. તે પછી 2025-26માં આ સંખ્યા વધીને 66,600 સુધી પહોંચી ગઈ હતી. માત્ર બે વર્ષમાં HIV પોઝિટિવ દર્દીની સંખ્યામાં તોતિંગ વધારો નોંધાયો હતો.
18થી 25 વર્ષીય 7000 થી વધારે વિદ્યાર્થીઓ HIV પોઝિટિવ
વર્તમાનના સંક્રમિત આંકડાની વાત કરવામાં આવે તો, 18થી 25 વર્ષની આયુના 7000 થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે HIV પોઝિટિવ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ આંકડાઓ રાજ્યના આરોગ્ય વિભાગની નિંદ્રા હરામ કરી નાખી છે. જે ઉંમરે સૌથી વધારે જાગૃતતા હોવી જોઈએ તે જ ઉંમરના લોકો વધારે સંક્રમિત થઈ રહ્યાં છે. જેથી હવે રાજ્યની તમામ કોલેજોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં HIV સ્ક્રીનીંગ, જાગૃતિ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
વિદ્યાર્થીઓની ઓળખ અને રિપોર્ટ્સ ગુપ્ત રહેશે
HIV કેમ્પની સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની ઓળખ અને રિપોર્ટ્સ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલ હેઠળ, વિદ્યાર્થીઓને માત્ર HIV વિશે માહિતી જ નહીં, પણ જરૂર પડશે ત્યારે ગુપ્ત કાઉન્સેલિંગ, પરીક્ષણ અને પ્રારંભિક તબક્કાની સારવાર સેવાઓ વિશે પણ વિગતો આપવામાં આવશે.