Wed Jul 29 2026

Logo

ભચાઉમાં અકસ્માતો નિવારવા PGVCL એ શું કર્યો મોટો નિર્ણય ?

2026-07-29 14:07:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: કચ્છના ભચાઉ શહેરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શોર્ટ સર્કિટ અને અકસ્માતોનો ભય નિવારવા અર્થે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં પ્રથમ વખત ૧૧ કિલોવોટનો હાઇ ટેન્શન વીજ પ્રવાહ ઓવરહેડ પોલને બદલે અંડરગ્રાઉન્ડ કેબલ મારફતે વિતરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અત્યાર સુધી શહેરના ભીડભાડવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પરથી પસાર થતી ઓવરહેડ વીજ લાઈનોને કારણે સતત જોખમ અને અકસ્માતોનો ભય તોળાઈ રહેતો હતો. જેને ધ્યાને રાખીને વીજ કંપની દ્વારા સમગ્ર શહેરમાં આશરે ૨૧ કિલોમીટર લાંબો હેવી વીજ કેબલ જમીનમાં પાથરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર કામગીરી મુખ્ય ઈજનેર એ. એસ. ચૌધરી તેમજ કાર્યપાલક ઈજનેર જે. વી. ચૌહાણ અને જે. ટી. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ખાનગી એજન્સી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

આ યોજના હેઠળ શહેરના મુખ્ય બે ફીડરોમાંથી અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક તૈયાર કરાશે જેમાં ભચાઉ સિટી ફીડર હેઠળ ૭.૮ કિલોમીટર લાંબી ૧૧ કેવી  વીજલાઈન અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે, જેનાથી જલારામ સોસાયટી, નગરપાલિકા વિસ્તાર, મેઇન બજાર, ફૂલવાડી, હિંમતપુરા અને જૂના બસ સ્ટેશન જેવા વિસ્તારો આવરી લેવાશે. હાલમાં હિંમતપુરા વિસ્તારમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. સર્કિટ હાઉસ ફીડર અંતર્ગત ૧૩.૨ કિલોમીટર લાંબો કેબલ પાથરવામાં આવશે, જે તાલુકા પંચાયત કચેરી, રેલવે સ્ટેશન રોડ, કાર્યધામ નજીકનો વિસ્તાર, નવી ભચાઉ, ભવાનીપુર, નવાગામ, છછડા વિસ્તાર, સરસ્વતી સોસાયટી અને ભાવેશ્વર સોસાયટી સહિતના બહોળા વિસ્તારોને સાંકળી લેશે.

તદુપરાંત, લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતાં જય માતાજી ચોક, સરકારી હોસ્પિટલ, ભવાનીપુર રેલવે નાલા, રેલવે ફાટક અને છછડા તળાવ નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ખાસ અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગ કરવામાં આવી રહ્યું છે.

આગામી ત્રણ મહિનામાં શહેરના તમામ નિર્ધારિત વિસ્તારોમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઓવરહેડ લાઈનો હટી જતાં જાનમાલનું જોખમ ટળશે અને સ્થાનિક રહીશોને પૂરતા વોલ્ટેજ સાથે સતત તથા અવિરત વીજ પુરવઠો પ્રાપ્ત થશે તેમ કાર્યપાલક ઈજનેર જે. વી. ચૌહાણે જણાવ્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)