નવી દિલ્હી: ચોમાસુ સત્રના આજના (બુધવારે) 8મા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ રાજ્યસભામાં મલ્લિકાર્જૂન ખડગે અને જે.પી. નડ્ડા વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. ખડગેએ સીપીઆઈ (એમ)ની ઓફિસમાં થયેલી પોલીસ કાર્યવાહીને લઈને સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ કહ્યું કે હવે દેશમાં લોકશાહી જોખમમાં છે. આ ઉપરાંત, વિપક્ષ સતત 20 જુલાઈએ સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને ગૃહમંત્રી અમિત શાહ પાસે ગૃહમાં જવાબ આપવાની માંગ કરી રહ્યો છે. બીજી બાજુ જે.પી. નડ્ડાએ ખડગેના આક્ષેપો સામે પલટવાર કરતા પોલીસ કાર્યવાહી પર સરકારનો બચાવ કર્યો હતો.
બુધવારે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, એક રાષ્ટ્રીય પાર્ટીની ઓફિસમાં ઘૂસીને સીબીઆઈ લોકોને ઉઠાવી રહી છે. દેશમાં લોકશાહી સુરક્ષિત નથી. કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવા માટે રાષ્ટ્રીય પાર્ટીની ઓફિસમાં એજન્સીઓ પ્રવેશી રહી છે. તેમણે માંગ કરી કે, આવા લોકોને સજા મળવી જોઈએ.
નડ્ડાનો ખડગેના આક્ષેપો પર પલટવાર
ખડગેના આક્ષેપો પર પલટવાર કરતા જે.પી. નડ્ડાએ કહ્યું, 'પોલીસે માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જ કાર્યવાહી કરી હતી.' તેમણે કહ્યું કે, મેં કોંગ્રેસના સમયમાં આનાથી પણ ખરાબ દિવસો જોયા છે. વિદ્યાર્થી જીવન દરમિયાન મારી પણ ઘણી વખત ધરપકડ કરવામાં આવી છે. કટોકટી (ઇમરજન્સી) દરમિયાન મારી ક્લાસરૂમમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નડ્ડાએ વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે, વિપક્ષ વાતને વધારીને રજૂ કરી રહ્યો છે.
શું છે મામલો?
હકીકતમાં, સીપીઆઈ (એમ)ના સાંસદ ડૉ. જૉન બ્રિટાસે દાવો કર્યો હતો કે મંગળવારે દિલ્હી પોલીસે CPI(M)ની ઓફિસે પહોંચીને એક વ્યક્તિની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ યુનિફોર્મમાં પણ નહોતા. જૉન બ્રિટાસે આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ પાસે નિવેદન જારી કરવાની માંગ કરી.
ડૉ. વી. શિવદાસને આપ્યો સ્થગન પ્રસ્તાવ
બીજી તરફ, સીપીઆઈ (એમ)ના નેતા અને કેરળથી રાજ્યસભાના સાંસદ ડૉ. વી. શિવદાસન દ્વારા નિયમ 267 હેઠળ રાજ્યસભાના સભાપતિને નોટિસ આપીને માંગ કરવામાં આવી છે કે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે અને NEET પરીક્ષાની અનિયમિતતાઓ સામે વિરોધ કરતા વિદ્યાર્થીઓ સામે જવાબી કાર્યવાહી કરવા માટે પોલીસના બળપ્રયોગ સહિતની પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવે.
તાજેતરમાં દિલ્હી પોલીસ દ્વારા CPI(M) ની ઓફિસે જઈને વિદ્યાર્થી નેતાઓની ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે તેમણે કેન્દ્ર સરકાર પાસે સંસદમાં જવાબ આપવાની માંગ કરી છે. નોટિસમાં એ પણ માંગ કરવામાં આવી છે કે 20 જૂને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને NTA ની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરાવવામાં આવે.