Wed Jul 29 2026

Logo

હવે મળશે ક્લેમ વગર PFના પૂરા પૈસા, 1.18 લાખ લોકોની થઇ ઓળખ, જાણો ક્યારે આવશે રિફંડ?

2026-07-29 15:22:00
Author: Mumbai Samachar Team
Article Image

બેંક, એલઆઈસી અને EPFO માં હજારો કરોડો રૂપિયા લાવારિસ (અનક્લેમ્ડ) પડ્યા છે, અને આ રકમ વર્ષ-દર-વર્ષે વધતી જ રહી છે. પરંતુ હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ પૈસા સાચા હકદાર સુધી પાછા પહોંચાડવાનો રસ્તો શોધી કાઢ્યો છે.

વાસ્તવમાં, કોઈપણ ઑફલાઇન કે ઑનલાઇન દાવા વિના 1 લાખથી વધુ કર્મચારીઓના બેંક ખાતામાં નિષ્ક્રિય PF ના પૈસા સીધા ટ્રાન્સફર થવા જઈ રહ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના EPFO એ આ પ્રક્રિયાને વેગ આપવા માટે 1.18 લાખ નિષ્ક્રિય (ઇન-એક્ટિવ) ખાતાઓની ઓળખ અને ચકાસણીનું કામ પૂરું કરી લીધું છે.

ક્લેમ વગર PF ખાતામાં આવશે બાકીના નાણાં

વાસ્તવમાં, અત્યાર સુધી કોઈપણ જૂના કે નિષ્ક્રિય (ઇન-એક્ટિવ) PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ખાતાધારકે જાતે ઓનલાઈન અથવા ઓફલાઈન ક્લેમ કરવો પડતો હતો. પરંતુ સરકારની આ નવી ઓટોમેટિક રિફંડ સિસ્ટમ હેઠળ PF સબ્સ્ક્રાઇબર્સે કોઈ ફોર્મ નહીં ભરવું પડે. EPFO જાતે જ આવા ખાતાઓની ઓળખ કરીને આધાર સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં વ્યાજ સહિતની પૂરેપૂરી રકમ સીધી ટ્રાન્સફર કરી દેશે.

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ 23 ફેબ્રુઆરી 2026ના રોજ આ પાઇલટ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. પ્રથમ તબક્કામાં તે નિષ્ક્રિય PF ખાતાઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં 1,000 રૂપિયા કે તેથી ઓછી રકમ જમા છે. હાલમાં આવા આશરે 7.11 લાખ ખાતાઓની ઓળખ કરવામાં આવી છે, જેમાં કુલ 30.52 કરોડ રૂપિયાની અનક્લેમ્ડ રકમ પડેલી છે.

EPFOએ જણાવ્યું કે હાલમાં 1.18 લાખ સબ્સ્ક્રાઇબર્સના બેંક ખાતાઓ સહિત બાકીની ચકાસણીનું કામ સફળતાપૂર્વક પૂરું કરી લેવામાં આવ્યું છે. આ પ્રક્રિયાને સુરક્ષિત અને સરળ બનાવવા માટે EPFOએ ટેકનોલોજીની મદદ લીધી છે. આધાર-લિંક્ડ નિષ્ક્રિય PF ખાતાઓનું સક્રિય બેંક ખાતાઓ સાથે મેળવણી કરવા માટે ખાતાઓમાં ન્યૂનતમ રકમ એટલે કે એક રૂપિયો મોકલીને સત્યાપન કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવતી સંસ્થા C-DACને EPFOના IT પ્લેટફોર્મને અપગ્રેડ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. નવા પ્લેટફોર્મમાં 'સિસ્ટમ-જનરેટેડ ક્લેમ'નું ફીચર જોડવામાં આવી રહ્યું છે, જેનાથી સિસ્ટમ જાતે જ આવા ઇન-એક્ટિવ ખાતાઓનો ક્લેમ પ્રોસેસ કરી દેશે. IT અપગ્રેડનું આ કામ ઓગસ્ટના અંત સુધીમાં પૂરું થવાની અપેક્ષા છે, ત્યારબાદ પૈસા ટ્રાન્સફર થવાના શરૂ થઈ જશે.

પીએફ ખાતામાં અટકેલા છે 10,903 કરોડ રૂપિયા

આંકડા અનુસાર નોકરી બદલવા કે જુની કંપનીમાંથી પીએફ ટ્રાન્સફર ન કરાવવાના કારણે છેલ્લા બે દશકમાં લગભગ 31.86 લાખ નિષ્ક્રિય ખાતા બની ચુક્યા છે. જેમાં અંદાજે 10,903 કરોડ રૂપિયા જેવી મસમોટી રકમ ક્લેમ વગર પડી છે.