અમદાવાદઃ બુધવારે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા થાય છે અને ભારતીય સંસ્કૃતિમાં તેમને દૈવીય સ્થાન આપાવમાં આવ્યું છે, પરંતુ ઘણા કિસ્સા એવા બને છે જેમાં ગુરુ આ ભાવનાને સાર્થક ઠેરવતા નથી. ફરી આવો કિસ્સો ગુરુપૂર્ણિમાના દિવસે જ સુરતના ઉધનાની એક પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં શિક્ષકે છ વર્ષના બાળકને સોટીથી ક્રુરતાપૂર્વક માર મારવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકને બાળપણથી શારીરિક બીમારીઓ હોવાથી તે ભણવામાં ધીમો હતો અને આ અંગે સ્કૂલને માતા-પિતાએ પહેલેથી જાણ કરી હતી, છતાં શિક્ષકે તેને માર માર્યો હોવાની ફરિયાદ મા-બાપે કરી હતી.
બાળકને પીઠ,વાંસા, છાતીના ભાગે માર માર્યો હતો અને તેના કાળા નિશાન પડી ગયા હતા. માતા-પિતાને જાણ થતા તેમણે સિવિલ હૉસ્પિટલમાં તેને દાખલ કર્યો હતો. દરમિયાન માતા-પિતાએ સ્કૂલ પ્રિન્સપાલનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ માતા-પિતાએ કર્યો હતો.
દરમિયાન શિક્ષિણ સમિતિના સૂત્રોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ક્લાસના શિક્ષક ન હોવાથી અન્ય શિક્ષક વધારાના ક્લાસનું ધ્યાન રાખી રહ્યા હતા. બાળક અમુક વાત ન માનતો હોવાથી શિક્ષકે સંયમ ગુમાવ્યો હતો અને તેને માર્યો હતો. તેમણે તપાસના રિપોર્ટ આવ્યા બાદ શિક્ષક સામે કડક પગલાની ખાતરી આપી હતી.