મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર રિજનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિવિધ પ્રકલ્પને પાર પાડવા માટે વહીવટી પ્રશાસને કમર કસી છે ત્યારે એમએમઆરડીએએ સૌથી મોટો નિર્ણય લીધો છે. પ્રાદેશિક જોડાણને મોટું પ્રોત્સાહન આપતા, સૂચિત 55.12 કિમી લાંબા ઉત્તન-વિરાર સી લિંકને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય વચ્ચેની તાજેતરની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ વિરાર નજીક આવેલા ખરડી ખાતે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે સાથે જોડવામાં આવશે.
આ પ્રસ્તાવિત જોડાણથી મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં પરિવહન-સંપર્ક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે, સાથે જ પાલઘર જિલ્લામાં વેપાર, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક વિકાસને પણ મોટો વેગ મળશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનના મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સમાંના એક એવા ઉત્તન-વિરાર સી લિંકનું નિર્માણ એમએમઆરડીએ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ દક્ષિણ મુંબઈ અને ઉત્તરીય ઉપનગરો વચ્ચે મુસાફરીનો સમય ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે વિકસાવવામાં આવી રહેલા વિશાળ દરિયાકાંઠાના રોડ નેટવર્કનો એક ભાગ છે. એકવાર પૂર્ણ થયા પછી, આ પ્રોજેક્ટ નરીમન પોઈન્ટથી વિરાર સુધીનો એક અવિરત હાઈ-સ્પીડ કોરિડોર પૂરો પાડશે.
અલાઈનમેન્ટ અંતિમ તબક્કામાં
એક અહેવાલમાં જણાવ્યા અનુસાર એક્સપ્રેસવે જોડાણ માટેનો રૂટ મોટા ભાગે નક્કી કરી લેવામાં આવ્યો છે. જોકે, એમએમઆરડીએ દ્વારા સૂચવવામાં આવેલા કેટલાક તકનીકી ફેરફારોનો હજુ તેમાં સમાવેશ કરવાનો બાકી છે. આ ફેરફારોને મંજૂરી મળ્યા બાદ અંતિમ રૂટને આખરી ઓપ આપવામાં આવશે.
અંદાજે 58,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળા ઉત્તન-વિરાર સી લિંક પ્રોજેક્ટનું આયોજન પહેલેથી જ આગામી વાધવન બંદર અને મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસવે સાથે જોડાણ કરવામાં આવ્યું છે. હવે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે સાથે જોડાણ માટેની તાજેતરની મંજૂરી મળવાથી આ પ્રોજેક્ટ પરિવહનના ત્રણ મુખ્ય કોરિડોર સાથે જોડાઈ જશે.
વેપાર અને લોજિસ્ટિક્સને વેગ
પ્રસ્તાવિત એકીકરણથી મુંબઈ, પાલઘર, વાધવન બંદર અને ઉત્તર ભારતને જોડતું વ્યૂહાત્મક માર્ગ નેટવર્ક તૈયાર થવાની અપેક્ષા છે, જેનાથી માલ-સામાનની હેરફેર મજબૂત થશે અને મુસાફરો તથા વાણિજ્યિક વાહનો માટે મુસાફરીનો સમય પણ ઘટશે.
અધિકારીઓ માને છે કે આ વિસ્તૃત કનેક્ટિવિટી ફક્ત એમએમઆરની ગતિશીલતામાં સુધારો જ નહીં કરે પરંતુ ભવિષ્યમાં ઔદ્યોગિક વિકાસ, લોજિસ્ટિક્સ હબ અને ઝડપથી વિકસતા પાલઘર ક્ષેત્રમાં આર્થિક વિકાસને પણ ટેકો આપશે.