મુંબઈ/ગુવાહાટી: આસામમાં ભારે વરસાદ અને વિનાશક પૂરના કારણે લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલીની ઘડીમાં બોલીવુડના અનેક કલાકારો મદદ માટે આગળ આવ્યા છે.વાત માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને શૅર કરવા પૂરતી સિમીત નથી. કલાકારોએ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ પારખીને મદદ કરવાનું ચાલું પણ કરી દીધું છે. સૌથી વધુ ચર્ચા અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી આલિયા ભટ્ટની પહેલની થઈ રહી છે. એક્ટર સલમાને પોતાની ચેરિટેબલ સંસ્થા Being Human દ્વારા આસામમાં રાહત અભિયાન શરૂ કર્યું છે, જ્યારે આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા મારફતે દેશભરના લોકોને પૂર પીડિતોની મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે.બન્ન્ કલાકારોની આ પહેલ પર ફેન્સ દિલ ખોલીને પ્રશંસા કરી રહ્યા છે.
તબક્કાવાર અભિયાન શરૂ
મીડિયા રિપોર્ટ અનુસાર, સલમાન ખાને આસામની પોતાની ફેન ક્લબ સાથે મળીને તબક્કાવાર રાહત અભિયાન શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં તૈયાર ખાદ્ય સામગ્રી, પીવાનું પાણી, જરૂરી દવાઓ, વોટર પ્યુરિફિકેશન ટેબલેટ, સેનિટરી પેડ્સ અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. આ પછીના તબક્કાઓમાં રાશન કિટ્સ, દવાઓ તેમજ લાંબા ગાળાના પુનર્વસન માટે પણ સહાય આપવામાં આવશે.
બીજી તરફ આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જણાવ્યું કે, આસામમાં દર વર્ષે પૂર આવે છે, છતાં દરેક વખતની સ્થિતિ લોકોને અચંબામાં મૂકી દે છે. હજારો પરિવારો પોતાના ઘર, જમીન, પશુધન અને સ્વજનો ગુમાવી ચૂક્યા છે. તેમણે દેશવાસીઓને વિશ્વસનીય સંસ્થાઓ મારફતે પૂર પીડિતોની મદદ કરવા અને રાહત અભિયાનમાં યોગદાન આપવા અપીલ કરી છે.
અનેક જિલ્લાઓ પ્રભાવિત
આ અહેવાલો મુજબ આસામમાં સતત વરસાદ અને બ્રહ્મપુત્રા સહિતની નદીઓમાં આવેલા પૂરથી અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે.આસામના લાખો લોકો અસરગ્રસ્ત બન્યા છે, જ્યારે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ અભિયાનમાં અભિનેત્રી ભૂમિ પેડણેકર, ગાયક પાપોન અને આસામના અભિનેતા આદિલ હુસૈન સહિત અનેક જાણીતા ચહેરાઓ પણ લોકો સુધી મદદ પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા માટે સક્રિય બન્યા છે.
આસામમાં પૂરથી સર્જાયેલી માનવીય આપત્તિ વચ્ચે બોલિવૂડના કલાકારો માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત રહ્યા નથી, પરંતુ રાહત સામગ્રી પહોંચાડવાથી લઈને લોકોને આપવા પ્રેરિત કરવા સુધી સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આલિયાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગંભીર સ્થિતિની નોંધ લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આસામના અનેક જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર છે. પૂરમાં અત્યાર સુધીમાં 60 થી વધારે લોકોના જીવ ગયા છે. લાખો લોકો બેઘર થયા છે.
આ પછી સ્થિતિ બગડી
આલિયાએ પોતાની પોસ્ટ સાથે સર્કલઓફહોપ નામનું એક હેશટેપ વાપર્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસ પછી આસામમાં વધારે ગંભીર બની ગઈ હતી. સતત વહેતા પાણીને કારણે લોકો બેહાલ થયા હતા. લાખોની સંખ્યામાં લોકોને પોતાના ઘર-પરિવાર છોડવાની ફરજ પડી છે. અનેક એવા ગ્રામ્ય વિસ્તારના પ્રાંતમાંથી અનેક લોકોના મોત થયા છે. પાણીના પ્રચંડ પ્રવાહના કારણે અસમમાં અનેક એવા આંતરમાળખાને નુકસાન પહોંચ્યું છે. અનેક એવા પરિવારનોને પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની અપીલ કરવામાં આવી છે. આ વખતે અસમમાં ચોમાસાએ વિનાશ વેર્યો છે. અનેક એવી નદીમાં એકાએક પાણીનો વધારો થતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.