મુંબઈઃ સરકારના ડેબ્ટ મેનેજમેન્ટ ઓપરેશન હેઠળ યોજાયેલા લિલામમાં ગત મંગળવારે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ રૂ. 12,604 કરોડના મૂલ્યની સરકારી સિક્યોરિટીઝ બાયબૅક કરી હતી.
નોટિફિકેશનમાં જણાવ્યાનુસાર આ લિલામમાં બજાર હિસ્સેધારકો તરફથી રિઝર્વ બૅન્કને રૂ. 1,959.07 કરોડની ઓફર મળી હતી, જે પૈકી રૂ. 12,604.07 કરોડની બીડ સ્વીકારવામાં આવી હતી.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર સૌથી વધુ બાયબૅક 7.33 ટકા જીએસ (ગવર્મેન્ટ સિક્યોરિટીઝ) 2026માં સૌથી વધુ બાયબૅક જોવા મળ્યું હતું. જેમાં રિઝર્વ બૅન્કે રૂ. 9160.69 કરોડની બાયબૅક ઓફરમાંથી રૂ. 8960.69 કરોડની ઓફર સ્વીકારી હતી. આ ઉપરાંત રિઝર્વ બૅન્કે 8.15 ટકા જીએસ 2026માં રૂ. 2400.387 કરોડનું, 5.74 ટકા જીએસ 2026માં રૂ. 893 કરોડનું અને 8.24 ટકા જીએસ 2027માં રૂ. 350 કરોડનું બાયબૅક કર્યું હતું.
વધુમાં લિલામમાં 7.33 ટકા જીએસ 2026 માટે રૂ. 100.48, 5.74 ટકા જીએસ 2026 માટે રૂ. 100.10, 8.15 ટકા જીએસ 2026 માટે રૂ. 100.86 અને 8.24 ટકા જીએસ 2027 માટે રૂ. 101.40 કટ ઓફ પ્રાઈસ રાખવામાં આ હતી અને સરેરાશ વેઈટેડ પ્રાઈસ અનુક્રમે રૂ. 100.47, રૂ. 100.10, રૂ. 100.86 અને રૂ. 101.39 રહી હોવાનું નોટિફિકેશનમાં ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે બાયબૅક ઑક્શન અથવા તો લિલામ સરકારી સિક્યોરિટીઝને પાકતી મુદત પહેલા નિવૃત્ત કરવા માટે હાથ ધરવામાં આવે છે. જે સરકારના રિડમ્પશન પ્રોફાઈલને ઓપ્ટિમાઈઝ કરવામાં અને જાહેર દેવાની અસરકારક રીતે સંચાલન કરવામાં મદદરૂપ થવાની સાથે બૅન્કિંગ યંત્રણામાં પ્રવાહિતા પૂરી પાડે છે. રિઝર્વ બૅન્કની આંકડાકીય માહિતી અનુસાર ગત 27મી જુલાઈના રોજ બૅન્કિંગ યંત્રણામાં રૂ. 1.01 લાખ કરોડની અંદાજિત પુરાંત હતી.