(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ગઈકાલે જોવા મળેલો રૂ. 755.33 કરોડનો આંતરપ્રવાહ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સતત ચોથા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં વધુ છ પૈસાના સુધારા સાથે 95.76ના મથાળે બંધ રહ્યો હતો.
જોકે, આજે ક્રૂડતેલના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાથી તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થતી બે દિવસીય નીતિવિષયક બેઠકને ધ્યાનમાં લેતા સાવચેતીના અભિગમ વચ્ચે સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.82ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.70ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.80 અને ઉપરમાં 95.48 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે છ પૈસા વધીને 95.76ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં 17 પૈસાનો અને તે પૂર્વેના બે સત્રમાં 74 પૈસાનો સુધારો નોંધાયો હતો.
એકંદરે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે ઈક્વિટીમાં લેવાલી રહેવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી નરમાઈનો રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 95.20થી 95.90ની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.
તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થોડો સમય યુદ્ધ બંધ રહ્યા બાદ ગઈકાલે ઈરાને અમેરિકી દળો પર મિસાઈલ હુમલો કર્યો હતો, પરંતુ મિસાઈલને સફળતાપૂર્વક આંતરી લેવામાં આવ્યા હોવાનું અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવતા ગઈકાલે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હતા.
આજે બે્રન્ટ ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધ સામે 3.78 ટકા વધીને બેરલદીઠ 87.27 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.04 ટકા ઘટીને 101.22 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 888.68 પૉઈન્ટનો અને 264.85 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.