Wed Sep 02 2026

Logo

ઈશાન કિશન કેપ્ટન તો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન: દુલીપ ટ્રોફી માટે ઈસ્ટ ઝોનની ટીમ જાહેર

2026-07-29 20:19:27
Author: Mumbai Samachar Team
ઈશાન કિશન કેપ્ટન તો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન: દુલીપ ટ્રોફી માટે ઈસ્ટ ઝોનની ટીમ જાહેર

નવી દિલ્હીઃ ભારતીય ઘરેલુ ક્રિકેટમાં પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 2026 દુલીપ ટ્રોફી માટે ઈસ્ટ ઝોન ટીમની જાહેરાત કરવામાં આવી છે. યુવા અને અનુભવી ખેલાડીઓથી બનેલી આ ટીમની કેપ્ટનશીપ વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનને સોંપવામાં આવી છે, જ્યારે 15 વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશીને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. નાની ઉંમરે આટલી મહત્વપૂર્ણ જવાબદારી સંભાળ્યા પછી વૈભવ માટે બીજી ભૂમિકામાં પોતાને સાબિત કરવાની તક હશે.

ઈસ્ટ ઝોન પસંદગી સમિતિએ 2026-27 દુલીપ ટ્રોફી માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. દુલીપ ટ્રોફી 23 ઓગસ્ટથી શરૂ થવાની છે. આ ટીમ પસંદગીમાં સૌથી મોટા સમાચાર વૈભવ સૂર્યવંશીની વાઈસ કેપ્ટન તરીકે પસંદગી છે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં છ ભારતીય રાજ્ય સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બંગાળ અને ઝારખંડના ખેલાડીઓનો આ ટીમમાં દબદબો જોવા મળી રહ્યો છે.

મોહમ્મદ શમી અને મુકેશ કુમારની જોડી ઝડપી બોલિંગની જવાબદારી સંભાળશે.  ઓપનર અભિમન્યુ ઈશ્વરન, સ્પિન-ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ અને સુદીપ કુમાર ઘરામી પણ મુખ્ય ટીમનો ભાગ છે. કેપ્ટન ઈશાન કિશન ઉપરાંત વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્ર, ઓલરાઉન્ડર અનુકુલ રોય, વિરાટ સિંહ અને શિખર મોહનને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ઈસ્ટ ઝોનની ટીમ

ઈશાન કિશન (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી (વાઈસ-કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન, સુદીપ કુમાર ઘરામી, શાહબાઝ અહમદ, સૂરજ સિંધુ જયસ્વાલ, મોહમ્મદ શમી, મુકેશ કુમાર, કુમાર કુશાગ્ર, શિખર મોહન, અનુકુલ રોય, વિરાટ સિંહ, સુભ્રાંશુ સેનાપતિ, ડેનિશ દાસ અને અભિજીત સરકાર.

સ્ટેન્ડબાય પ્લેયર્સ

આયુષ લોહારુકા, શ્રીદામ પોલ, સંબિત એસ. બરાલ, સ્વસ્તિક સામલ, અને શરણદીપ સિંહ.