Wed Jul 29 2026

Logo

કોઈ પણ UPIથી પેમેન્ટ કર્યા બાદ હવે નહીં વાંચી શકાય કોઈનો પણ મોબાઈલ નંબર, નવો નિયમ લાગુ

2026-07-29 21:52:49
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ જો તમે યુપીઆઈથી પેમેન્ટ કરતા હોવ અને પે કર્યા બાદ સામેવાળાને કોઈ નામ સાથે મોબાઈલ નંબર દેખાઈ જશે એવો ભય હોય તો આ ટેક્નોલોજીમાં એક મોટી અપડેટ આવી છે. NPCI એ UPI એપ્સ માટે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં યુઝર્સના ફોન નંબર છુપાવવાનું ફરજિયાત કરી દેવામાં છે. તેમાં UPI ID બનાવતી વખતે યુઝર્સના નામનો વિકલ્પ દર્શાવવાની જોગવાઈ પણ શામેલ છે. અગાઉ નામની સાથે પે કર્યા બાદ જે તે વ્યક્તિએ સેટિંગ ન કર્યું હોય તો એના મોબાઈલ નંબર પણ દેખાઈ જતા હતા. NPCI એ UPI એપ્સ - જેમ કે Google Pay, PhonePe અને Paytm સહિત ભાગીદાર બેંકો માટે એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 

આ કારણે લેવાયો મહત્ત્વનો નિર્ણય
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) નિયમો હેઠળ જાહેર કરાયેલા આ પરિપત્રમાં આદેશ આપવામાં આવ્યો છે કે, યુઝર્સનો સંપૂર્ણ મોબાઇલ નંબર દેખાવો ન જોઈએ. NPCI એ UPI સર્વિસ પ્રોવાઈડર અને બેંકો માટે આ નવા નિયમનું પાલન કરવા માટે 4 સપ્ટેમ્બરની અંતિમ તારીખ નક્કી કરી છે, રિપોર્ટ અનુસાર NPCI એ UPI યુઝર્સના મોબાઇલ નંબર અને પર્સનલ ડેટાને સુરક્ષિત રાખવા માટે એક નવો નિર્દેશ નિયમ જાહેર કર્યો છે. એજન્સીએ ગયા મહિને એક પરિપત્ર જાહેર કરીને UPI યુઝર્સના મોબાઇલ નંબરને માસ્ક કરવા અથવા છુપાવવા ફરજિયાત કરવામાં આવ્યું હતું.

આ પગલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ દ્વારા ઉઠાવવામાં આવેલી ફરિયાદો બાદ લેવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને મહિલાઓની સિક્યોરિટી, ઓળખ અને સલામતી અંગેની ચિંતાઓને ધ્યાને લેવામાં આવી હતી. આ પછી પરિપત્ર તૈયાર કરવામાં આવ્યો હતો.  NPCI એ UPI એપ્સ - જેમ કે Paytm, Google Pay અને PhonePe - ને નિર્દેશ આપ્યો છે કે તેઓ UPI ID બનાવવાનો વિકલ્પ પૂરો પાડે જે મોબાઇલ નંબર પર આધારિત નથી. જેનાથી યુઝર્સ નામ પસંદ કરી શકે. હાલમાં, મોટાભાગના યુઝર્સ તેમના UPI ID તરીકે તેમના મોબાઇલ નંબર પર આધાર રાખે છે કારણ કે તેઓ વપરાશકર્તા નામ-આધારિત ID બનાવવાના વિકલ્પથી અજાણ છે.

મોબાઈલ નંબર રહેશે ગુપ્ત
આ NPCI નિર્દેશ ખાતરી કરે છે કે, ભવિષ્યના વ્યવહારો માટે, યુઝર્સને હવે તેમના મોબાઇલ નંબર અથવા અન્ય વ્યક્તિગત વિગતો ખોટા હાથમાં જવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. તેમના મોબાઇલ નંબર ગુપ્ત રહેશે, જે અન્યને  કોલ અથવા સંદેશાઓ દ્વારા તેમને હેરાન કરતા અટકાવશે. આ યુઝર્સનો ડેટા વ્યક્તિગત અને ગુપ્તતા રાખવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ગયા મહિને, UPI સંબંધિત મોટી અપડેટ આપવામાં આવી હતી, જેમાં ખુલાસો થયો કે NPCI એક એવી સુવિધા પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને તેમની બધી જ ચુકવણીઓ એક જ સ્થાને જોવાની સુવિધા પૂરી પાડશે. આ સુવિધા યુઝર્સ અને બેંકો બંનેને લાભ કરાવશે. યુઝર એક જ UPI એપ્લિકેશનમાં વિવિધ એપ્લિકેશનોમાં સ્વચાલિત ચુકવણીઓ વિશેની માહિતી ઍક્સેસ કરી શકશે.