Fri May 22 2026

Logo

થાણેની ભાજી માર્કેટની આગમાં બેનાં મોત: બે જખમી, ૧૫૫થી વધુ સ્ટોલને નુકસાન

2026-05-21 22:37:53
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હોમગ્રાઉન્ડ કહેવાતા થાણેની બજારમાં લાગેલી ભીષણ આગે બેનો ભોગ લીધો હતો. થાણે (પશ્ર્ચિમ)માં  રેલવે સ્ટેશન નજીક ગોખલે રોડ પર આવેલા ગાંવદેવી શાકભાજી માર્કેટમાં  બુધવાર મોડી રાત બાદ ૧.૩૦થી ૧.૪૫ વાગ્યાની આસપાસ લાગેલી ભીષણ આગમાં  સુરક્ષા રક્ષક અને  ફાયર બ્રિગેડના જવાન સાગર શિંદેનું ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું હતું. જ્યારે બે અન્ય ફાયર કર્મચારીઓ ઘાયલ થયા હતા. સદ્નસીબે વહેલી સવારના આગ લાગી હોવાથી પાલિકાની વોર્ડ ઓફિસની સાથે જ માર્કેટ બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. 

આ આગમાં માર્કેટમાં રહેલા ૧૫૫ જેટલા સ્ટોલ બળીને ખાખ થઈ ગયા હતા. માર્કેટમાં રહેલા કપડા સહિતના અનેક સામાનને કારણે આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગને કારણે નીકળતી  ભારે જ્વાળાઓ અને ગાઢ ધુમાડાને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. માર્કેટ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગને પગલે ઘટના સ્થળે પાંચ ફાયર એન્જિન, ત્રણ જમ્બો વોટર ટેન્કર  બે વોટર ટેન્કર, સહિત ચાર રેસ્ક્યુ વેહિકલ સહિત ખાનગી વોટર ટેન્કર પહોંચી ગયાં હતાં. માર્કેટમાં કપડા સહિત અનેક જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ નિયંત્રણમાં આવવાને બદલે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી હતી. 

ભારે જહેમત બાદ ગુરુવારના છેક બપોરના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે  કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. શુક્રવારથી અહીં સફાઈનું કામ હાથ ધરવામાં આવશે. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું અને તપાસ ચાલી રહી હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીને જણાવ્યું હતું.આગ લાગી ત્યારે માર્કેટ બિલ્ડિંગમાં રહેલી પાલિકાની પ્રભાગ સમિતિની ઓફિસના સુરક્ષા રક્ષક રહેલા ૫૩ વર્ષના કાળુ શંકર ગાડેકર પહેલા માળા પર ફસાઈ ગયા હતા. તેઓ આગ લાગ્યા બાદ ફાયરબિગ્રેડ સાથે લગભગ એક કલાક સુધી તેઓ કઈ તરફ છે તે બાબતે સંપર્કમાં હતા.

તેમને બચાવવા માટે ફાયરબ્રિગેડનો જવાન સાગર શિંદે એ તરફ ગયો હતો અને તેમને બહાર કાઢવામાં સફળતા પણ મળી હતી. જોકે આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી તેમાંથી મોટા પ્રમાણમાં નીકળેલા ધુમાડાને કારણે બંને જણના  શ્ર્વાસમાં ધુમાડો જતા તેઓ બેહોશ થઈ ગયા હતા અને હૉસ્પિટલમાં લઈ જતા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.  તો ભીષણ આગમાં  સુજીત પષ્ટે અને સમીર જાધવ જખમી થયા હતા તેમના પર સારવાર ચાલી રહી છે. 

માર્કેટમાં ગાળો ધરાવતા એક યુવકના જણાવ્યા મુજબ અહીં શાકભાજી કરતાં કપડાનું વેચાણ કરતી દુકાન વધુ હતી. તેમ જ દરરોજ રાતના ૨૫થી ૩૦ જેટલા વેપારીઓ અહીં જ સૂઇ જતા હતા. જોકે ગુરુવારના વહેલી સવારના આગ લાગ્યા બાદ તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને મોટી જાનહાનિ ટળી હતી. આ બિલ્ડિંગમાં જ નૌપાડા પ્રભાગ સમિતિની ઓફિસ છે. અહીં મોટા પ્રમાણમાં પાલિકાના અધિકારી, કર્મચારીઓ પણ હાજર રહેતા હોય છે પણ મોડી રાત બાદ લાગેલી આગને કારણે ઓફિસ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

બિલ્ડિંગનું સ્ટ્રકચર ઓડિટ અને ફાયર ઓડિટ થશે
ભાજી માર્કેટના ૧૫૫ ગાળાધારકોના સ્ટોલ બળીને ખાખ થઈ ગયા હોઈ ગાળાધારકોનું એ જ ઠેકાણે પહેલી જૂન, ૨૦૨૬ સુધીમાં સ્થળાંતર કરવાનું આશ્ર્વાસન પ્રશાસને આપ્યું છે. માર્કેટમાં સફાઈ થયા બાદ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ઓડિટ તેમ  જ ફાયર ઓડિટ પણ કરવામાં આવવાનું છે. તેમ જ ભવિષ્યમાં આવી ઘટના બને તે દૃષ્ટિએ ઉપાયયોજના કરવા તેમ જ આપાતકાલીન, ફાયરબ્રિગેડ ડિપાર્ટમેન્ટના આ ઠેકાણે કામ કરનારા કર્મચારીઓના વીમા સંરક્ષણની રકમમાં વધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

બે ફાયરબ્રિગેડની ગાડી ઊભી કરાશે
ગયા વર્ષે આપેલા ફાયર ઓડિટ રિપોર્ટની અવગણાને પગલે થયેલી ભીષણ આગની દુર્ઘટના બાદ જાગેલી પાલિકા પ્રશાસને ગામદેવી ભાજી માર્કેટના ગાળાધારકોના પુનર્વસન કરવા પહેલા આ ઠેકાણે ફાયરસેફટી સિસ્ટમ બેસાડવાની તેમ જ સુરક્ષાની દૃષ્ટિએ ફાયરબ્રિગેડની બે ગાડીઓ નજીક આવેલા દાદા કોંડદેવ સ્ટેડિયમ પાસે ઊભી રહે તે દૃષ્ટિએ આયોજન કરવા બાબતે બે ત્રણ દિવસમાં નિર્ણય લેવામાં આવશે એવું થાણે કમિશનરે કહ્યું હતું.

અધિકારીને સસ્પેન્ડ કરો
મળેલ માહિતી મુજબ આગ લાગ્યા બાદ અહીંના એક વેપારીએ દાદોજી કોંડદેવ સ્ટેડિયમ પાસે રહેલા ફાયર બ્રિગેડના કર્મચારીને જાણ કરી હતી પણ તેઓએ કોઈ  હિલચાલ કરી નહોતી. અહીંનું જવાહરબાગ ફાયર બ્રિગેડ અન્ય સ્થળે ખસેડવામાં આવ્યું હોવાથી છેક બાળકુમથી ફાયરબિગ્રેડને આવતા અડધા કલાકથી વધુ સમય જતા આગ વધુ વકરી ગઈ હતી. ગાંવદેવી માર્કેટમાં રહેલી સુરક્ષા ખામી પ્રત્યે દુર્લક્ષ કરનારા આસિસ્ટન્ટ કમિશનરને સસ્પેન્ડ કરવાની માગણી રાજકીય સ્તરે થઈ રહી છે.