Fri Sep 04 2026

Logo

દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, જાણો રાજધાની ધગધગવા પાછળનું અસલી કારણ?

2026-05-21 15:39:18
Author: Mayur Patel
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, જાણો રાજધાની ધગધગવા પાછળનું અસલી કારણ?

નવી દિલ્હીઃ દેશના મહાનગરો જ નહીં, પરંતુ પાટનગર દિલ્હી પણ આકરી ગરમીથી તપી રહ્યું છે, જેનાથી દિલ્હીવાસીઓ તોબા પોકારી ઊઠ્યા છે. દિલ્હીમાં હાલ આગ ઝરતી ગરમી પડી રહી છે. રાજ્યમાં મે મહિનાની અત્યાર સુધીની ગરમ રાત નોંધાઈ હતી. લઘુત્તમ તાપમાન 31.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગ પ્રમાણે, જે છેલ્લા 14 વર્ષનું સૌથી વધુ લઘુત્તમ તાપમાન હતું. આ પહેલાં 26 મે, 2012ના રોજ 32.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ક્રોંકિટની દીવાલો ઠંડી પડતી નથી
દિલ્હીમાં અંગ દઝાડતી ગરમી પડવા પાછળ મુખ્યત્વે બે મોટા કારણો છે. પ્રથમ દિલ્હીમાં પવનની દિશા સીધી રાજસ્થાનના રણ અને મધ્ય પાકિસ્તાનના બલૂચિસ્તાન તરફથી આવી રહી છે. આ પવન અત્યંત શુષ્ક  અને ગરમ હોય છે, જે દિલ્હી પહોંચતા જ સપાટીની નજીકની ગરમીને સંપૂર્ણપણે ટ્રેપ કરી દે છે. બીજું, દિવસ દરમિયાન પડતી ગરમીના કારણે કોંક્રિટની બનેલી દીવાલો ઠંડી નથી થતી. 

એટલા માટે ગરમ રાત જાહેર કરાય છે
ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, સફદરગંજ અને લોધી રોડ સહિત અનેક વિસ્તારમાં ગરમ રાત નોંધાઈ હતી. જ્યારે રાતનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે હોય અને લઘુત્તમ તાપમાન સામાન્યથી 4.5થી 6.4 ડિગ્રી સેલ્સિયસ વધારે હોય ત્યારે ગરમ રાત જાહેર કરવામાં આવે છે.

સરેરાશ કરતા ચાર ડિગ્રી વધુ તાપમાન
સફદરગંજમાં લઘુત્તમ તાપમાન 31.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્યથી 5.3 ડિગ્રી વધુ હતું. રિજમાં 30.6 ડિગ્રી, પાલમમાં 30.5 ડિગ્રી, લોધી રોડમાં 29.6 ડિગ્રી અને આયાનગરમાં 27.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જે અનુક્રમે 4.4 ડિગ્રી, 3.4 ડિગ્રી, 4.6 ડિગ્રી, 0.7 ડિગ્રી વધારે નોંધાયું હતું.

આગામી ચાર દિવસ રાહત નહીં
દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના હોવાથી ઑરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ 26 મે સુધી દિલ્હીવાસીઓને ભીષણ ગરમી અને ગરમ રાતથી રાહત મળવાની શક્યતા નથી. દિલ્હીમાં રાતનું તાપમાન સામાન્યથી આશરે 2થી 3 ડિગ્રી વધારે રહેવાના કારણે લોકોને બફારા અને અકળામણનો અનુભવ થશે.