કોલકતાઃ ગત કેલેન્ડર વર્ષ 2025માં દેશમાં 28.040 કરોડ કિલોગ્રામ ચાની નિકાસ થઈ હોવા છતાં ચા ક્ષેત્ર પરનાં નાણાકીય દબાણમાં વધારો થઈ રહ્યો હોવાથી સરકારે, ભાવ, આબોહવાલક્ષી ટેકા અને નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ એવી માગણી ઈન્ડિયા ટી એસોસિયેશન (આઈટીએ)એ કરી છે.
આજનાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ (21મી મે) પૂર્વે એસોસિયેશને એક યાદીમાં જણાવ્યું હતું કે છેલ્લાં એક દાયકામાં ચા લિલામ કેન્દ્રોમાં ભાવમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ ધોરણે માત્ર 3.81 ટકાના દરથી વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે તેની સામે ઊર્જા, ખાતર અને અન્ય કૃષિ ઈનપૂટ્સ સહિતનાં ઈનપૂટ ખર્ચમાં તીવ્ર વધારો થયો હોવાથી ચા ક્ષેત્રની પોસાણક્ષમતા દબાણ હેઠળ આવી છે.
નોંધનીય બાબત એ છે કે વિશ્વભરમાં ભારત ચાના ઉત્પાદનમાં બીજો ક્રમાંક અને નિકાસમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે. તેમ જ ચાના વૈશ્વિક ઉત્પાદનમાં 19 ટકા હિસ્સો ધરાવે છે. ગત કેલેન્ડર વર્ષ 2025માં દેશમાં ચાનું ઉત્પાદન 136.998 કરોડ કિલોગ્રામનું અને નિકાસ રૂ. 848.843 કરોડની થઈ હતી.
જોકે, એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2025માં દેશમાં ચાના લિલામમાં સરેરાશ ભાવ આગલા વર્ષ 2024નાં કિલોદીઠ રૂ. 201.28 સામે 7.13 ટકા ઘટીને 186.92ની સપાટીએ રહ્યા હતા, જેમાં ખાસ કરીને ઉત્તર ભારતનાં ભાવમાં 9.87 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમ જ એસોસિયેશનનાં જણાવ્યાનુસાર ગત જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન આસામમાં વરસાદની ખાધ 97 ટકા રહી હોવાથી ચાના છોડવા પર અને ઉત્પાદન પર માઠી અસર પડી છે.
ગત જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દેશમાં ચાનું ઉત્પાદન આગલા વર્ષ 2025ના સમાનગાળાના 11.04 કરોડ કિલોગ્રામ સામે 11.22 ટકા ઘટીને 9.801 કરોડ કિલોગ્રામની સપાટીએ રહ્યું છે. વધુમાં એસોસિયેશને નેપાળથી થતી ચાની આયાત સામે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2025માં નેપાળથી આયાત 1.170 કરોડ કિલોગ્રામના સ્તરે રહી હતી, જે દાર્જિલિંગનાં 53 લાખ કિલોગ્રામના ઉત્પાદન કરતાં પણ વધુ હતી. અત્રે એ નોંધવું ઘટે કે વર્ષ 2008માં દાર્જિલિંગમાં ચાનું ઉત્પાદન જે 1.158 કરોડ કિલોગ્રામના સ્તરે હતું તે ગત સાલ ઘટીને 53 લાખ કિલોગ્રામના સ્તરે રહ્યું હતું.
તેમ જ આ સમયગાળામાં ભાવમાં પણ ચક્રવૃદ્ધિ ધોરણે સરેરાશ બે ટકાનો ઘટાડો થયો છે. આમ વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતા એસોસિયેશને સરકાર સમક્ષ ચાના લઘુતમ ટેકાદાયી ભાવ યંત્રણા અમલી બનાવવા અને તે ભાવને ઉત્પાદનખર્ચ સાથે સાંકળી લેવા, આરઓડીટીઈપી દરમાં વધારો કરવા, પુનઃ ઓર્થોડોક્સ ચાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, દાર્જિલિંગ માટે કાર્યકારી મૂડી માટે ઈન્ટરેસ્ટ સબવેન્શન સહિત સંપૂર્ણ સમર્પિત પેકેજ જાહેર કરવા સરકારને અનુરોધ કર્યો છે.