Tue Jul 28 2026

Logo

ચીટર... ચીટર... ચીટર...: સ્લિપના ફીલ્ડરે આ હરકતથી બૅટ્સમૅનને ખલેલ પહોંચાડીને આઉટ કરાવ્યો! લાખો લોકોએ વીડિયો જોયો

London   2026-07-28 22:38:59
Author: Ajay Motiwala
Article Image

લંડનઃ ક્રિકેટમાં બૅટ્સમૅનને કે બોલરને ખલેલ પહોંચાડવાના (ચીટિંગ કરવાના) અનેક પ્રકારના કિસ્સા અગાઉ બની ગયા છે, પણ ઇંગ્લૅન્ડની એક ઍમેટર ક્રિકેટ મૅચમાં શનિવારે જે બન્યું એ અગાઉ કદાચ ક્યારેય નહીં બન્યું હોય અને આ બનાવની સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચા છે.

આ મૅચ નૉર્થ યૉર્કશર અને ડર્હામની સૉલ્ટબર્ન ટીમ વચ્ચેની હતી જેમાં બન્યું એવું કે બોલરે બૉલ ફેંકવા માટે જેવો રન-અપ શરૂ કર્યો કે (સામાન્ય રીતે બનતું હોય છે એમ) બૅટ્સમૅન બૉલનો સામનો કરવા તૈયાર થઈ ગયો હતો અને એ જ સમયે સ્લિપના ફીલ્ડરે (બૅટ્સમેનના બૅટનો બૉલ સાથે સંપર્ક થતાં જ એના અવાજની નકલ કરવાના ઇરાદાથી) ચપટી વગાડી (Clicking fingers) હતી. સ્લિપના ફીલ્ડરે આ રીતે ચોક્કસ સમયે (બૅટ્સમૅને તેના બૅટનો બૉલ સાથે કૉન્ટૅક્ટ કર્યો ત્યારે) ચપટી વગાડી એટલે બૅટ્સમૅનને રમવામાં ખલેલ (Disturb) પહોંચી હતી અને તે વિકેટકીપરના હાથમાં આસાન કૅચ આપી બેઠો હતો.

અમ્પાયરે આઉટ આપતાં જ ફીલ્ડરો નાચવા લાગ્યા હતા, પરંતુ બૅટ્સમૅને અમ્પાયરને ફરિયાદ કરી કે સ્ટમ્પ્સની પાછળથી કોઈકે ચપટી વગાડી હોવાથી તેને રમવામાં ખલેલ પહોંચી હતી.

ક્રિકેટ કૉમેન્ટેટરે સ્લિપના ફીલ્ડરની આ હરકતને `ક્રિકેટના ઇતિહાસની સૌથી મોટી ચીટિંગ' તરીકે ગણાવી હતી અને બોલ્યા હતા કે `કોણ જાણે આ ફીલ્ડરે ચપટી વગાડીને કંઈ કેટલાય બૅટ્સમેનને આઉટ કરાવ્યા હશે અને તેમની કરીઅર બગાડી હશે.'