Tue Jul 28 2026

Logo

એક દાયકામાં એક લાખ સરકારી શાળાઓને લાગ્યા તાળા: ખાનગી યુનિવર્સિટીઓમાં થયો વધારો

2026-07-28 22:16:27
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: સંસદના ચોમાસું સત્રમાં દેશની સરકારી શાળાઓ બંધ થવાના મુદ્દે ઉગ્ર ચર્ચાઓ જાગી હતી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર એક લાખથી વધુ સરકારી શાળાઓ બંધ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટ કર્યું કે સરકારી શાળાઓ ખોલવી, તેનું વિલીનીકરણ કરવું કે બંધ કરવી તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારક્ષેત્રમાં આવે છે. જોકે, સરકાર દ્વારા જાહેર કરાયેલા UDISE+ ડેટા પરથી એ પણ સામે આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં સરકારી શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે બીજી તરફ યુનિવર્સિટીઓ અને કોલેજોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે.

શિક્ષણ મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શાળાઓ બંધ થવા કે તેના વિલીનીકરણનો અલગથી કોઈ રેકોર્ડ રાખતી નથી, પરંતુ UDISE+ પોર્ટલ પર અપલોડ કરાયેલા આંકડા મુજબ શાળાઓની સંખ્યા ઘટી છે. વર્ષ 2021-22માં દેશમાં કુલ 10,22,386 સરકારી શાળાઓ હતી, જે 2025-26માં ઘટીને 10,05,245 થઈ ગઈ છે. એટલે કે માત્ર 4 વર્ષમાં લગભગ 17,000 સરકારી શાળાઓ ઓછી થઈ ગઈ છે. 

છેલ્લા એક દાયકાના આંકડા પર નજર કરીએ તો સરકારી શાળાઓની સંખ્યામાં લગભગ એક લાખનો ઘટાડો નોંધાયો છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં શાળાઓના વિલીનીકરણ અને પુનર્ગઠનની પ્રક્રિયા સૌથી વધુ ચર્ચામાં રહી છે.

આ ઘટાડા અંગે સરકારે સ્પષ્ટતા કરી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શાળાઓના એકીકરણની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયા ત્યારે જ થઈ શકે જ્યારે તેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણ સુધીની પહોંચને કોઈ અસર ન પહોંચે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, શાળાઓના મર્જર વખતે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે બાળકોને અભ્યાસ માટે કોઈ વધારાની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. 

જો કે જ્યાં એક તરફ દેશમાં શાળાઓની સંખ્યા ઘટી છે, ત્યાં બીજી તરફ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનો એટલે કે કોલેજ અને યુનિવર્સિટીઓનો ખૂબ જ ઝડપથી વિસ્તાર થયો છે. AISHE 2023-24ના અહેવાલ મુજબ, વર્ષ 2013-14માં દેશમાં 723 યુનિવર્સિટીઓ હતી, જે 2023-24 સુધીમાં વધીને 1,289 થઈ ગઈ છે. એટલે કે  10 વર્ષમાં યુનિવર્સિટીઓની સંખ્યામાં 77 ટકાનો વધારો થયો છે. જેમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ સૌથી મોટો ફાળો છે, જેમની સંખ્યા 219 થી વધીને 540 થઈ ગઈ છે. જ્યારે સરકારી યુનિવર્સિટીઓની સંખ્યા 504 થી વધીને 733 થઈ છે, જેમાં આશરે 45 ટકાનો વધારો નોંધાયો છે.