Tue Jul 28 2026

Logo

ડિગ્રી તો વધી રહી છે, પણ નોકરી કેમ નથી મળી રહી? નવા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

2026-07-28 21:57:12
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ વ્હોટ વરિઝ ધ વર્લ્ડ નામના એક મેગેઝિનમાં રિપોર્ટ છે કે, ભારતીય શહેરી નાગરિકો બેરોજગારીને સૌથી મોટી અને જટિસ સમસ્યા તરીકે જોઈ રહ્યા છે. એજ્યુકેશનનો વ્યાપ વિસ્તારવા માટે સરકાર અનેક પ્રકારના પ્રયાસ કરે છે પણ ક્યાંય તો એવી ખાડી છે જે ખરેખર માગ અને એની સામેના ચોક્કસ શિક્ષણ વચ્ચે મિસિંગ છે. સરકારના પ્રયાસના પરિણામે દેશમાંથી હાયર એજ્યુકેશન પ્રાપ્ત કરનારા યુવાનોની સંખ્યા વધી રહી છે. પણ ડિગ્રી મળ્યા બાદ નોકરી મળશે કે, નહીં એ નક્કી નથી. નોકરી મેળવવી અને શિક્ષણને સમકક્ષ પગારની મળવી કઠિન સમસ્યાથી કમ નથી. સ્ટેટ ઓફ વર્કિગ ઈન્ડિયા 2026ના રિપોર્ટ અને પિરિયોડિક લેબર ફોર્સ સર્વેના આંકડા કહે છે કે, દેશમાં ગ્રેજ્યુએટ યુવાનોની સંખ્યા વધી છે પણ એ પ્રમાણમાં કોઈ નોકરી નથી વધી. 

વર્કફોર્સની સામે નોકરીની તક નથી
સરકારી હોય કે ખાનગી, જે રીતે ગ્રેજ્યુએટ લોકોનો વર્કફોર્સ વધ્યો એને ધ્યાને લેતા બન્નેમાંથી કોઈ સેક્ટરમાં ખાસ એવી મોટી સંખ્યામાં ભરતી નથી થઈ.ડિગ્રી પ્રાપ્ત કરેલા યુવાનો આજે પણ સારી નોકરી અને સારા પગાર વાળી નોકરીની રાહ જોઈને બેઠા છે. અથવા નાનું મોટું કોઈ કામ કરીને ગુજરાન ચલાવે છે. વર્ષ 1983માં 20થી 29ની વયમાં  આશરે 50 લાખ ગ્રેજ્યુએટ હતા. આ સંખ્યા હવે 6.3 કરોડ સુધી પહોંચી છે. ચાર દાયકામાં સૌથી વધારે ગ્રેજ્યુએટ વધ્યા છે. એ પણ 13 ગણા, આ દરમિયાન જ્યારે બેરોજગાર ગ્રેજ્યુએટની સંખ્યા 7 લાખથી વધીને 1 કરોડ સુધી પહોંચી એના પરથી કહી શકાય કે શિક્ષણનો વિસ્તાર થયો પણ એટલો રોજગારીનો ન થયો.

રિપોર્ટ પરથી એ વાત પણ જાણવા મળી છે કે, ગ્રેજ્યુએટની શરૂઆતની કમાણી નોન ગ્રેજ્યુએટ કરતા ઘણી વધારે હતી. નોકરી મળ્યા બાદ એમની આવકમાં નોંધપાત્ર વધારો થયો. પણ નોકરી મેળવવામાં પહેલા કરતા વધારે સમય લાગ્યો. ગ્રેજ્યુએટની સ્થિતિ દરેક રાજ્યમાં એક સમાન નથી. 30 વર્ષથી ઓછી ઉંમરના યુવક દિલ્હીમાં 8 ટકા છે જ્યારે ઓડિશામાં 40 ટકા છે. મહિલા ગ્રેજ્યુએટની સંખ્યા જમ્મુ કાશ્મીરમાં 73 ટકા, તેલંગણામાં 52  ટકા અને આંધ્ર પ્રદેશમાં 51.6 ટકા છે. રાષ્ટ્રીય સ્તર પર સ્ત્રીઓની ટકાવારી 36 ટકા અને પુરુષોની 25.1 ટકા આમ મહિલાઓની વધારે છે. 

શિક્ષણ વધ્યુ પણ નોકરી ક્યાં?
વર્ષ 2004થી 2023 વચ્ચેના સમયમાં દર વર્ષે 50 લાખ ગ્રેજ્યુએટ તૈયાર થતા. પણ એમાંથી 28 લાખ નોકરી વિહોણા હતા. માત્ર 17 લાખ યુવાનોને જ ફિક્સ અવર્સની નોકરી મળી.આ એવી નોકરીઓ હતી જેમાં વેતન પણ નિયમિત રીતે મળતું હતું. આનો સીધો અર્થ એ થયો કે, મોટી સંખ્યામાં લોકો બેરોજગાર તરીકે બેસી રહ્યા અથવા શિક્ષણ સિવાયનું ક્ષેત્ર પસંદ કરીને અન્ય સેક્ટરમાં જોઈન થઈ ગયા. એક વર્ષથી વધારે સમય સુધી યુવાનો કામની શોધમાં ભટકતા રહ્યા. વ્હાઈટ કોલર જોબની સંખ્યા હજુ પણ ઓછી છે એમાં યુવાનો પણ મર્યાદિત છે. આ પરિવર્તન સૂચવે છે કે દેશમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પરંતુ અભ્યાસ પૂર્ણ કર્યા પછી રોજગાર મેળવવાની પ્રક્રિયા તે મુજબ મજબૂત થઈ નથી. અહેવાલ મુજબ, 1983માં 25 વર્ષથી ઓછી ઉંમરના સ્નાતકોમાં બેરોજગારીનો દર 35 ટકા હતો અને 2023 સુધીમાં વધીને 39.3ટકા થયો હતો.

આ પણ વરવી વાસ્તવિકતા
બીજા શબ્દોમાં કહીએ તો આ વસ્તી વિષયક માટે બેરોજગારીનું સ્તર ચાર દાયકાથી લગભગ યથાવત રહ્યું છે. દરમિયાન, 25-29 વય જૂથના સ્નાતકો માટે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે, આ શ્રેણીમાં બેરોજગારીનો દર 12.5 ટકાથી વધીને 20 ટકા થયો છે. આનો અર્થ એ થાય છે કે યુવાનો હવે રોજગાર શોધવામાં પહેલા કરતા વધુ સમય લઈ રહ્યા છે.માત્ર કોઈ એક રાજ્યની વાત નથી, અહીંયા દેશના મોટાભાગના રાજ્યની સ્થિતિ ખરાબ છે. વર્ષ 2017 પછી બેરોજગારીનો દર સતત વધતો રહ્યો છે. વર્ષ 2014માં મોદી સરકાર પહેલીવાર કેન્દ્રમાં બની હતી. માત્ર સરકારી સેક્ટરની વાત નથી પણ વિદેશથી આવતી કંપનીઓ પણ મર્યાદિત પ્રોજેક્ટ પૂરતી વાત કરીને યુવાનોને હંગામી ધોરણે કામ આપીને દરવાજા બંધ કરી દે છે. આ હકીકત ઘણીવાર લોકોએ પણ સ્વીકારી છે.