નવી દિલ્હીઃ દિલ્હી હાઈ કોર્ટે ભારતીય રેસલર વિનેશ ફોગાટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યૂએફઆઈ)ને નોટિસ ફટકારી છે. ડબલ્યૂએફઆઈએ તાજેતરમાં વિનેશને કારણ બતાવો નોટિસ ફટકારી હતી, જેમાં તેણીને જૂન 2026 સુધી ઘરેલુ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશે આ નોટિસને પડકારી હતી, જેના પર હાઈકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
દિલ્હી હાઈ કોર્ટે આજે કહ્યું કે તે વિનેશ ફોગાટની સ્પર્ધાત્મક કુસ્તીમાં વાપસી કરવાની વાજબી તક માંગતી અરજી પર ચુકાદો આપતા પહેલા ભારતીય રેસલિંગ ફેડરેશનની પસંદગી નીતિનો અભ્યાસ કરશે.
વિનેશે છેલ્લા સપ્તાહમાં રાષ્ટ્રીય ઓપન રેન્કિંગ ટુનામેન્ટ માટે ઉત્તર પ્રદેશના ગૌડા પહોંચી હતી. તે આ ટુનામેન્ટ મારફતે વાપસી કરવાની હતી પરંતુ કુસ્તી મહાસંઘે તેને કારણ બતાવો નોટિસ ફટકારી જવાબ આપવા માટે કહ્યું ત્યારબાદ વિનેશે કોર્ટમાં અરજી કરી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે સુનાવણી દરમિયાન કોર્ટે વિનેશને મહાસંઘની નોટિસનો જવાબ આપવા કહ્યું છે.
તેમણે કહ્યું કે "કોર્ટે કહ્યું કે તે ડબલ્યૂએફઆઈની પાત્રતા અને ટ્રાયલ શરતોને વાંચ્યા પછી જ નક્કી કરશે કે વિનેશને આગામી પસંદગી ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં."
પેરિસ ઓલિમ્પિક્સ પછી કુસ્તીમાંથી નિવૃત્તિ લેનાર વિનેશે આ વર્ષે પોતાની વાપસીની જાહેરાત કરી હતી, જ્યારે ફેડરેશન તેને અયોગ્ય ગણાવે છે. ફેડરેશને વિનેશ પર ડબલ્યૂએફઆઈ બંધારણ અને યુડબલ્યૂડબલ્યૂ નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે જો તે કારણ બતાવો નોટિસનો જવાબ આપે તો જ તેની વાપસી શક્ય બનશે.
મહિલા કુસ્તીબાજોના એક જૂથે કોર્ટમાં દલીલ કરી હોવાનું માનવામાં આવે છે કે વિનેશને સીધી રાષ્ટ્રીય સેટઅપમાં સામેલ કરી શકાતી નથી પરંતુ તેને અન્ય કુસ્તીબાજોની જેમ લાયકાતમાંથી પસાર થવું પડશે.