(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: 108 એમ્બ્યુલન્સ સેવા ઘણા સંઘર્ષો વેઠીને પણ અનેક માનવ જિંદગીને બચાવે છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રામપરા ગામના રહેવાસીને તાત્કાલિક આરોગ્ય સારવાર અર્થે ૧૦૮ ઇમરજન્સી સેવાને સંપર્ક સાધ્યો હતો. અને ૧૦૮ની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ત્યારે રસ્તો સાંકળો હોવાથી એમ્બ્યુલન્સ પસાર થઈ શકે એમ ન હોવાથી ૧૦૮ ટીમના ઇ.એમ.ટી. ધ્રુવકુમાર પંડ્યા અને ડ્રાઇવર રઘુવીરસિંહ ગોહિલ એક કિલોમીટર ચાલીને ગઢડા ખાતે સંપર્ક કરનારના ઘરે પહોંચ્યા હતા. ત્યારે ટીમને જાણવા મળ્યું કે, સંપર્ક કરનારના ઘરે મહિલાને પ્રસૂતિનો દુખાવો શરૂ થયો હતો. જેના લીધે સગર્ભાને તાત્કાલિક આરોગ્ય સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા જરૂર જણાઈ હતી.
૧૦૮ ટીમની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, માતાના ગર્ભમાં બાળકને નાડ ગળે વીંટળાઈ ગઈ હોવાથી માતાને અસહ્ય પીડા થતી હતી. આથી, સ્થળ ઉપર જ પ્રસુતિ કરવા ફરજ પડી હતી. આ સાથે દર્દીના ઘરે લાઇટની સુવિધા ન હોવાથી મોબાઈલ ફોનની ફ્લેશ લાઇટ પર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડતા તેવું લાગતા સર્ગભાની ઘરે સ્થળ પર ડીલીવરી કરાવામાં આવી હતી. ૧૦૮ની ટીમે પોતાની સૂઝબૂઝ અને તાલીમના અનુભવના આધારે માતાને નોર્મલ ડિલેવરી કરાવી સ્થળ પર જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી, જ્યાં માતાએ બાળકને જન્મ આપ્યો હતો. માતાની સહી સલામત પ્રસૂતિ કરાવીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડીલીવરીના સાધનો, દવાઓ તથા ટેકનીકનો ઊપયોગ કરીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.
ત્યારબાદ ગઢડા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં માતાને બાળક સ્વસ્થ હોવાનું જાણવા મળતા મહિલાના પરિવારે ૧૦૮ ટીમના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે પણ ૧૦૮ની ટીમ દ્વારા થયેલી સફળ કામગીરીને બીરદાવમા આવી હતી.