1થી 20 મે દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસમાં 13.88 ટકાનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 19 સેન્ટનો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ બે રિંગિટનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે મથકો પરનાં પ્રોત્સાહક અહેવાલ સાથે દેશી તેલના ભાવમાં તેજીનું વલણ રહેતાં સ્થાનિકમાં દેશી ઉપરાંત આયાતી તેલના ભાવમાં ઉછાળા જોવા મળ્યા હતા, જેમાં 10 કિલોદીઠ સરસવમાં રૂ. 70, સોયા રિફાઈન્ડમાં રૂ. 60, આરબીડી પામોલિન અને કપાસિયા રિફાઈન્ડમાં રૂ. 50, સિંગતેલમાં રૂ. 40 અને સન રિફાઈન્ડમાં રૂ. 20 વધી આવ્યા હતા.
દરમિયાન આજે કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત પહેલી થી 20 મે દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલા એપ્રિલ મહિનાના સમાનગાળાના 8,84,273 ટન સામે 13.88 ટકા ઘટીને 7,61,517 ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના મે ડિલિવરી શરતે રૂ. 1525 અને જૂન ડિલિવરી શરતે રૂ. 1535, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1510, જી-વનના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1511, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના કંડલાથી ડિલિવરી શરતે રૂ. 1515, ઈમામીના મે અને જૂન ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1520, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના જૂન ડિલિવરી શરતે રૂ. 1535 અને રિલાયન્સ ક્નઝ્યુમરના સોયા રિફાઈન્ડના જૂન-જુલાઈ ડિલિવરી શરતે રૂ. 1500 અને સન રિફાઈન્ડના રૂ. 1665 ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ છૂટાછવાયા વેપારો પણ ગોઠવાયા હતા.
આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 7000 ગૂણીની અને રાજકોટ મથકે મગફળીની 3500 ગૂણીની આવક સામે બન્ને મંડીમાં વેપાર અનુક્રમે મણદીઠ રૂ. 1300થી 1520માં અને રૂ. 1300થી 1500માં થયા હતા. તેમ જ આજે ગોંડલ ખાતે 10 કિલોદીઠ સિંગતેલના ભાવ રૂ. 1600, વૉશ્ડ કૉટનના રૂ. 1500થી 1505 અને કોટન રિફાઈન્ડના રૂ. 1540થી 1545ના મથાળે રહ્યા હતાં. વધુમાં આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં દેશાવરોની માગને ટેકે તેલિયા ટીનના ભાવ 15 કિલોદીઠ રૂ. 45 વધીને રૂ. 2550 અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25 વધીને રૂ. 1600ના મથાળે રહ્યા હતા.
આજે હાજરમાં દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ આરબીડી પામોલિનના રૂ. 1530, સોયા રિફાઈન્ડના રૂ. 1550, સન રિફાઈન્ડના રૂ. 1650, સિંગતેલના રૂ. 1650, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1585 અને સરસવના રૂ. 1580ના મથાળે રહ્યાના અહેવાલ હતા.