Fri May 22 2026

Logo

ઍથ્લીટોને પ્રતિબંધિત ડ્રગ્સ પહોંચાડનારાઓનું હવે આવી બન્યું: પાંચ વર્ષ સુધીની જેલ થશે

2026-05-21 19:09:46
Author: Ajay Motiwala
Article Image

AI Generated Images


નવી દિલ્હીઃ પ્રતિબંધિત કેફીદ્રવ્યોની હેરાફેરી કરનારાઓ તેમ જ આ પદાર્થો પૂરા પાડતા લોકોની વિરુદ્ધમાં તાજેતરમાં નૅશનલ ઍન્ટિ ડૉપિંગ ધારામાં ફેરફાર કરવામાં આવ્યો ત્યાર બાદ હવે એમાં વધુ સુધારો કરવામાં આવશે જે અનુસાર પ્રતિબંધ હેઠળના નશીલા પદાર્થો (Banned Drugs)ની હેરાફેરી કરતા તેમ જ ઍથ્લીટોને આ પદાર્થો પૂરા પાડતા લોકોને પાંચ વર્ષ સુધીની જેલ (Jail)ની સજા કરવામાં આવશે. જો મેડિકલ પ્રૅક્ટિશનરો જાણી જોઈને પ્રતિબંધિત ડ્રગ્સ લેવાની સલાહ આપશે તો તેમને પણ આ આકરી સજા કરવામાં આવશે.

સૂચિત સુધારાની વિગતો ખેલકૂદ મંત્રાલયની વેબસાઇટ પર અપલૉડ કરવામાં આવી છે અને એ સંબંધમાં જાહેર જનતા 18મી જૂન સુધીમાં પોતાના જરૂરી સલાહ-સૂચનો અને મંતવ્યો આપી શકશે. માંડવિયાએ જણાવ્યું હતું કે જનતાના અભિપ્રાયો મેળવ્યા પછી સંસદમાં ચોમાસુ સત્ર દરમ્યાન આ સુધારિત ખરડો રજૂ કરવામાં આવશે.

સૂચિત સુધારામાં જણાવાયું છે કે `ખેલકૂદમાં ડ્રગ્સનો ઉપયોગ કરાવવાના હેતુથી જે કોઈ વ્યક્તિ ઍથ્લીટને પ્રતિબંધિત કેફીદ્રવ્ય પૂરી પાડશે અથવા સૂચવશે તે વ્યક્તિને પાંચ વર્ષ સુધીની જેલની સજા કરવામાં આવશે અથવા બે લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અથવા બન્ને (સજા તથા દંડ) કરવામાં આવશે.'

માંડવિયા પ્રતિબંધિત દ્રવ્યોના દૂષણ વિરુદ્ધ જાગૃતિ લાવવામાં ઘણા સમયથી ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમણે પાટનગર દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન કહ્યું હતું કે `ડ્રગ્સના વેપાર તથા એ પૂરા પાડતા દૂષણને ગુનો ગણીને એ સંબંધમાં જેલની સજા સહિતના કડક કાયદાની ખાસ જરૂર હતી. ડોપિંગ માત્ર ખેલકૂદ ક્ષેત્રે થતો ભંગ જ નથી, ઍથ્લીટોનું શોષણ કરતી એક પ્રકારની સંગઠિત અર્થવ્યવસ્થા પણ છે. અત્યાર સુધી પ્રતિબંધિત કેફીદ્રવ્યોનું સેવન કરતા લોકોને જ સજા કરાતી હતી, પરંતુ એ કેફીનદ્રવ્યો પૂરા પાડનારાઓને પણ કડક સજા થવી જોઈએ. એ જોતાં, જો હવેથી કોઈ કોચ, મૅનેજર, સાથી ઍથ્લીટ કે બીજી કોઈ પણ વ્યક્તિનો પ્રતિબંધિત નશીલા પદાર્થો સાથે સીધો સંબંધ હશે અને તેમનો ગુનો સાબિત થશે તો તેને કેદની સજા થશે.'

વૈશ્વિક સ્તરે ડોપિંગ-વિરોધી ઝુંબેશની આગેવાની વર્લ્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (ડબ્લ્યૂએડીએ-વાડા) સંભાળે છે અને ભારતમાં એ જવાબદારી નૅશનલ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (એનએડીએ-નાડા) પાસે છે. માંડવિયાએ તાજેતરમાં એક જાગતિક પરિષદમાં જ જાહેર કર્યું હતું કે ભારત સરકારે ડ્રગ્સના દૂષણને અંકુશમાં લેવા કસૂરવારોને જેલની સજા કરવા સહિતની યોજના ઘડી છે.

ડ્રગ્સ સંબંધિત કાનૂનો ભંગ કરનારાઓ વિશે વાડાએ છેલ્લા ત્રણ વર્ષમાં જે યાદી બહાર પાડી છે એમાં ભારતીય ઍથ્લીટોની સંખ્યા સૌથી વધુ રહી છે. 2030ની કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે અને ભારતે 2036ની ઑલિમ્પિક ગેમ્સ માટે પણ દાવો કર્યો છે એ જોતાં ડોપિંગની બાબતમાં જો ભારતનો રેકૉર્ડ ખરાબ જ રહે તો યજમાનપદ મળવામાં મુશ્કેલી આવી શકે. આ બધી બાબતો ધ્યાનમાં લઈને સરકાર ડોપિંગના ગુના આચરનારાઓને આકરી સજા કરવાના મૂડમાં છે.