જાણીતો યુટ્યુબર અને મોટોવ્લોગર અનુરાગ ડોભાલ ઉર્ફે ધ યુકે07 રાઈડર ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફ અને ફેમિલી ડિસ્પ્યુટને કારણે ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જ તેણે પોતાના યુટ્યુબ ચેનલ પર એક નવો વ્લોગ શેર કરીને પોતાના જ પરિવાર વિશે કેટલાક એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેને સાંભળીને સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સ્તબ્ધ થઈ ગયા છે. અનુરાગે જણાવ્યું કે મુશ્કેલ સમયમાં જેમના સપોર્ટની આશા હતી, તેમણે જ પીઠ પાછળ ખંજર ભોંકવાનું કામ કર્યું છે. ચાલો જોઈએ શું છે આખો મામલો...
'બિગ બોસ 17' ફેમ અનુરાગ ડોભાલ લાંબા સમયથી પોતાના પરિવાર અને પત્નીને સ્વીકારવા બાબતે કૌટુંબિક કલેશનો સામનો કરી રહ્યા છે. પરંતુ આ વખતે મામલો કાનૂની લડાઈ અને વિશ્વાસઘાત સુધી પહોંચી ગયો છે.
અનુરાગે વ્લોગમાં રડતાં-રડતાં પોતાના દિલનો દર્દ ઠાલવતાં જણાવ્યું હતું કે જ્યારે મારું ભયાનક એક્સિડન્ટ થયું, ત્યારે હું આશા રાખતો હતો કે મારા ઘરના સભ્યો મને હોસ્પિટલમાં જોવા આવશે. પરંતુ સત્ય કંઈક અલગ જ હતું. જ્યારે હું મારા કામના અર્થે દેહરાદૂન ગયો, ત્યારે મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો. મને ખબર પડી કે જે રાત્રે મારો અકસ્માત થયો હતો, એ જ રાત્રે મારા પિતા પોલીસ સ્ટેશનમાં મારા જ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ગયા હતા.
અનુરાગે આગળ એવું પણ ઉમેર્યું હતું કે પોલીસ તપાસ દરમિયાન જ્યારે મેં મારા પોતાના પરિવાર દ્વારા ફાઇલ કરવામાં આવેલી 50થી 60 પેજની કમ્પ્લેન કોપી વાંચી, ત્યારે મારું મગજ ચકરાવે ચડી ગયું હતું. હું માત્ર પોતાના પરિવાર પાસેથી પ્રેમ ઈચ્છતો હતો, પરંતુ પરિવારે હંમેશા મારી સાથે બદલો લેવાનો પ્રયત્ન કર્યો છે.
પોતાની શારીરિક અને માનસિક સ્થિતિ વિશે વાત કરતાં અનુરાગે જણાવ્યું કે, એક્સિડન્ટ બાદ હું એક મહિના સુધી બેડ પરથી ઊભો થઈ શકતો નહોતો. મારે ડાયપર પહેરવું પડતું હતું, જે મારા માટે સૌથી વધુ શરમજનક અને લાચારીની બાબત હતી. જ્યારે મેં સોશિયલ મીડિયા પર વીડિયો જોયો કે હું એક્સિડન્ટ બાદ રસ્તા પર લાચાર હાલતમાં પડ્યો હતો, તે મારી જિંદગીની સૌથી કાળી ક્ષણ હતી. દુઃખ એ વાતનું છે કે જેમને મેં પોતાના માન્યા, તેમણે જ મારી પીઠ પાછળ આ કાવતરું ઘડ્યું.
પરિવાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદને સદંતર ખોટી ગણાવતા અનુરાગે કહ્યું કે, ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે મારા જે મિત્રો ઘરે આવતા હતા, તેમનાથી મારી મમ્મીને ડર લાગતો હતો. જ્યારે હકીકત એ છે કે જ્યારે પણ મારા મિત્રો ઘરે આવ્યા, ત્યારે મમ્મી-પપ્પાએ સાથે બેસીને તેમને જમાડ્યા છે અને વાતો કરી છે. માત્ર મને ખોટો સાબિત કરવા માટે પરિવારે આખો પોઇન્ટ ઓફ વ્યુ બદલી નાખ્યો.
અનુરાગે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, મેં અત્યાર સુધી ક્યારેય આ વિશે જાહેરમાં વાત નથી કરી, એટલે લોકોએ મને નબળો સમજી લીધો. પરંતુ હવે હું પાછો હટવાનો નથી, નહીંતર આ લોકો મને કાચો ચાવી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં પણ અનુરાગે એક વ્લોગ શેર કરીને જણાવ્યું હતું કે તેનો પરિવાર તેની પત્નીને સ્વીકારી રહ્યો નથી અને તેમને જીવવા દેતો નથી. માનસિક તણાવ હદ બહાર વધી જતાં તેણે પોતાની જાન લેવાનો (સુસાઈડ) પ્રયાસ પણ કર્યો હતો. જોકે, સમયસર હોસ્પિટલમાં દાખલ કરાતા તેમનો જીવ બચી ગયો હતો. હાલમાં તે પોતાની પત્ની અને બાળક સાથે અલગ રહી રહ્યો છે, પરંતુ પરિવાર સાથેનો આ વિવાદ હજુ પણ શમવાનું નામ નથી લઈ રહ્યો.