(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: રાજ્યમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ડીઝલની ગંભીર અછત સર્જાતા પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જે આગામી દિવસોમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાના વર્તારા છે. ડીઝલ પૂરતા પ્રમાણમાં ન મળવાના કારણે ટ્રાન્સપોર્ટરો વાહન ચાલકો અને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ કટોકટીના પગલે એક તરફ રાજકોટમાં અડધોઅડધ કમર્શિયલ વાહનો 'ઓફ-રોડ' થઈ ગયા હોવાના અહેવાલ છે. ત્યારે આ કટોકટીની સ્થિતિએ રાજકીય પાર્ટીઓએ સરકારની નિષ્ફળતા મુદ્દે આકરો વિરોધ નોંધાવ્યો હતો. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ ઊંટગાડી લઈને અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર સમક્ષ આ સમસ્યાના તાત્કાલિક ઉકેલની માંગ કરી છે.
કમર્શિયલ વાહનોના પૈડાં થંભ્યા
કચ્છના ઔદ્યોગિક અને ટ્રાન્સપોર્ટ જગતમાંથી આ સમયના સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં અત્યારે ડીઝલની ભારે અછત સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડીઝલની ભારે અછત સર્જાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ગંભીર કટોકટીમાં મુકાયો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે પરિવહન વ્યવસ્થા ખોરવાઈ રહી છે.
ખેતીની સિઝન પહેલા ડીઝલ કટોકટી, ડીઝલ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 21, 2026
અમરેલી જિલ્લામાં છેલ્લા અમુક દિવસથી ચાલી રહેલી ડીઝલની અછત હવે ખેડૂતો માટે મોટું સંકટ બની છે. રાજુલા-સાવરકુંડલા રોડ પર આવેલા પેટ્રોલપંપે ડીઝલ મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી. ખેતીની સિઝન નજીક હોવાથી… pic.twitter.com/Uk0wYdmS8D
રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર ડીઝલના ભાવવધારા છતાં પેટ્રોલ પંપ પર ટ્રકદીઠ માત્ર 50 લિટર ડીઝલ જ આપવામાં આવી રહ્યું છે. આટલા ઈંધણથી ટ્રક માંડ 150થી 200 કિલોમીટર જ ચાલી શકે છે, જેના કારણે ટ્રાન્સપોર્ટરો નવા ભાડા લેતા ડરી રહ્યા છે. અનેક ખાનગી પેટ્રોલ પંપ પર વેચાણ બંધ થવાથી સરકારી પંપો પર ભારે દબાણ વધ્યું છે. જેના પરિણામે, એકલા રાજકોટના અંદાજે 5,000 કમર્શિયલ વાહનોમાંથી અંદાજે 50 ટકા વાહનો ડીઝલના અભાવે ઓફ-રોડ થઈ ગયા છે.
લોકડાઉન જેવી સ્થિતિની ચેતવણી
આ ગંભીર મામલે ટ્રાન્સપોર્ટ એસોસિએશને મુખ્ય પ્રધાન અને પુરવઠા પ્રધાનને લેખિત રજૂઆત કરી છે. તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા પૂરતો જથ્થો પૂરો પાડવા અંગે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં પરિવહન વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાતા લોકડાઉન જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
જૂનાગઢમાં AAPનો ઊંટગાડી લઈને વિરોધ
રાજ્યમાં ડીઝલની અછત અને તેના કારણે ખેડૂતો તથા વાહન ચાલકોને પડી રહેલી હાલાકીના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) મેદાનમાં આવી છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે એક અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 'આપ'ના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઊંટગાડી લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરી, રાજ્યના મુખ્ય પ્રધાનને સંબોધીને કલેક્ટરને એક આવેદનપત્ર સોંપ્યું હતું.
જનતાએ લાઈનોમાં ઊભા રહેવા મત નથી આપ્યા!
આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે આજે ખેડૂતો, યુવાનો અને સામાન્ય જનતા હેરાન છે. યુદ્ધની પરિસ્થિતિ હતી તેની આગોતરી જાણ હોવા છતાં બધુ સલામત હોવાનું અને પૂરતો જથ્થો હોવાના દાવાઓ કરવામાં આવ્યા, પરંતુ આજે ગુજરાતના ગામડાઓમાં એકબાજુ ખેતીની સિઝન છે અને બીજી તરફ ખેડૂતો કલાકો સુધી પેટ્રોલ પંપ પર જઈને ઊભા રહે છે છતાં ડીઝલ નથી મળી રહ્યું. પેટ્રોલ પંપ પર નિશ્ચિત રકમનું જ પેટ્રોલ મળશે તેવા દિવસોનો લોકો સામનો કરી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું હતું કે જનતાએ લાઈનોમાં ઊભા રહેવા માટે તમને મત નથી આપ્યા.