Fri May 22 2026

Logo

પાણીની અછતને પહોંચી વળવા નાગરિકોને થાણે પાલિકાની ટેન્કર સેવા

2026-05-21 22:49:48
Author: Sapna Desai
Article Image

૧૦ હજાર લિટર ક્ષમતાવાળા ટેન્કર માટે દર ૧૦૦૦ રૂપિયા વસૂલવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ઉનાળામાં પાણીની વધતી જતી અછતની પૃષ્ઠભૂમિમાં, થાણે મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્ર ટેન્કર ભરણાં કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. હાલના તીવ્ર ઉનાળાને કારણે, પાણી પુરવઠાની માંગ વધી છે, તેથી કેટલીક બિલ્ડિંગ  અને રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સ ટેન્કરની માગ કરી રહ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં, થાણે પાલિકાના  પાણીપુરવઠા વિભાગે નાગરિકો માટે એક સ્વતંત્ર ટેન્કર ભરણાં કેન્દ્ર શરૂ કર્યું છે અને ટેન્કર દ્વારા પાણીપુરવઠો સુગમ બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

થાણે પાલિકાની હદમાં આવતી સાત વોર્ડ સમિતિઓમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવા માટે સાકેત ખાતે એક જ ટેન્કર ભરણાં કેન્દ્ર કાર્યરત છે. જોકે, અહીં મોટી માંગને કારણે, નાગરિકોને સમયસર ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવું શક્ય નહોતું. ખાસ કરીને ઘોડબંદર રોડ વિસ્તાર માટે, બ્રહ્માંડ જલકુંભ ખાતે એક સ્વતંત્ર ટેન્કર ભરણાં કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.આ ટેન્કર ભરણાં સ્ટેશનથી, ખાનગી અને જાહેર ટેન્કર દ્વારા જરૂરિયાત મુજબ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. 

મહાનગરપાલિકાના નિયમો મુજબ, ટેન્કર સેવાઓ ફી વસૂલીને પૂરી પાડવામાં આવશે, અને નાગરિકોએ સંબંધિત સોસાયટીના લેટરહેડ પર માંગ પત્ર રજૂ કરવો જરૂરી છે. આ પત્ર પર એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયરની સહી તેમજ પાણીપુરવઠા સંબંધિત જરૂરી માહિતી આપવી ફરજિયાત રહેશે.મહાનગરપાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા ટેન્કર ફક્ત ઘરેલુ ઉપયોગ માટે રહેશે. આ પાણીનો ઉપયોગ શૌચાલય, બાથરૂમ ફ્લશિંગ અથવા બાંધકામ માટે થઈ શકશે નહીં.

મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય મુજબ, મ્યુનિસિપલ ટેન્કર અને પરિવહન સહિત ૧૦ હજાર લિટર ક્ષમતાવાળા ટેન્કર માટે દર ૧૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ઘરેલુ ઉપયોગ માટે તમારા પોતાના ખાનગી ટેન્કરમાં ૧૦ હજાર લિટર પાણી ભરવા માટે, દર ૭૦૦ રૂપિયા પ્રતિ રાઉન્ડ નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે ફક્ત કમર્શિયલ ઉપયોગ માટે પાણી ભરવાનો દર ૧૫૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત, જો ટેન્કર માલિકો નિયત દર કરતા વધુ વસૂલ કરશેે, અને જો નાગરિકો ફરિયાદ કરશે, તો સંબંધિતો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવું પાણી પુરવઠા વિભાગે જણાવ્યું છે.