નવી દિલ્હીઃ ભારતે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને રોકડું પરખાવી દીધું છે. ભારતની સામે ઝેર ઓંકનારા પાડોશી દેશ પાકિસ્તાનનો પ્રયાસ અનેકવાર નિષ્ફળ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતીય અધિકારીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. હરીશ પર્વતેનીએ એક ચર્ચા દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા જમ્મુ કાશ્મરીનો મુદ્દો ઊઠાવ્યા બાદ પોતાની અંદર આત્મચિંતન કરવાની સલાહ આપી હતી. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે દેશનો ઈતિહાસ નરસંહારના પાનાઓથી ભરેલો છે, એમનું ભારતના મુદ્દાઓ પર બોલવું મજાક સમાન છે.
આ ભારતનો આંતરિક મામલો
આ ભારતનો આંતરિક મામલો છે. હરીશ પર્વતેનીએ પાકિસ્તાનના ક્રૂર કાવતરાઓની ફાઈલ ખોલીને આ વર્ષે અફઘાનિસ્તાન પર કરવામાં આવેલી હવાઈ કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો. અધિકારીએ ત્યાં સુધી કહ્યું કે, આ વર્ષે જ રમઝાન માસ દરમિયાન જ્યારે શાંતિ અને રહેમનો સમય ગણાય છે એવા કાળમાં પાકિસ્તાને કાબુલના ઓમિદ નશામુક્તિ ઉપચાર તથા હોસ્પિટલ પર હવાઈ હુમલો કરીને નિર્દોષના જીવ લીધા હતા. સંયુક્ત રાષ્ટ્ર મિશન અનુસાર આ હુમલામાં 269 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 122 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે લોકો નમાઝ અદા કરીને મસ્જિદની બાહર નીકળી રહ્યા હતા એવા સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાની વલણથી દુનિયા અજાણ નથી
પાકિસ્તાન અંધારમાં જ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવે છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાન સેના દ્વારા પોતાના જ દેશના નાગરિકો પર કરેલા અત્યાચારનો ઈતિહાસ પણ કહ્યો. ભારતીય રાજદૂતે કહ્યું કે, આ એ જ પાકિસ્તાન છે જે વર્ષ 1971માં ઑપરેશન સર્ચ લાઈટ દરમિયાન પોતાના જ સૈન્ય દ્વારા લાખો મહિલાઓ પર અત્યાચાર કરાવ્યો, દુષ્કર્મ પણ કર્યું. જે દેશ પોતાના જ દેશમાં બૉંબમારો કરે છે, લાખો લોકોને રહેસી નાંખે છે એમના મોઢેથી માનવાધિકારની વાત શોભતી નથી. છેલ્લા કેટલાક દાયકાઓથી પોતાની નિષ્ફળતામાંથી લોકને ઘ્યાન બીજે દોરવા માટે બોર્ડર વિસ્તારમાં જ અને સીમા પાર આંતકી પ્રવૃતિઓ કરાવીને સહારો લે છે. જે દેશ પાસે કોઈ વિશ્વાસ નથી, કોઈ કાયદો નથી, કોઈ નૈતિકતા નથી એની આવી ખોખલી વાતોથી દુનિયા અજાણ નથી.
શાંતિ પ્રસ્તાવનો મામલો પણ નિષ્ફળ
આવું પહેલીવાર થયું નથી કે, વૈશ્વિક મંચ પર પાકિસ્તાન ભારત પર ટિપ્પણી કરી હોય. આ પહેલા પણ કાશ્મીરના મુદ્દે અનેકવાર ટિપ્પણી કરીને દુનિયાનું ધ્યાન બીજા રસ્તે ભટકાવવા અને ભારતને નીચો દેખાડવાના પ્રયાસ કર્યા છે. હકીકત એ પણ છે કે, મિડલ ઈસ્ટની તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે શાંતિની વાત લઈને પહોંચેલો પાકિસ્તાન દેશ કોના ઈશારે ચાલે છે એ પણ ઉઘાડું થયું હતું. શાંતિ મંત્રણા અને શાંતિવાર્તાનો પ્રયાસ ઘર આંગણે જ નિષ્ફળ થતા વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની નીતિ છતી થઈ ગઈ હતી.