Thu Jun 25 2026

Logo

કોણ હતો 22 વર્ષનો મયંક લોહાર? જેની લોકલ ટ્રેનમાં નજીવી બાબતે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ...

2026-06-25 08:23:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં દરવાજો બંધ કરવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં 22 વર્ષના મયંક લોહાર નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને કારણે તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ચાલતી લોકલ ટ્રેનમાં નજીવી બાબતે થયેલા વિવાદમાં મયંક પર ચપ્પુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ સમયે ટ્રેનમાં હાજર અન્ય મુસાફરો મયંકની મદદે આવવાને બદલે દૂર ભાગી ગયા હતા અને કેટલાક લોકો તો મોબાઈલમાં વીડિયો શૂટ કરી રહ્યા હતા.

કોણ હતો મૃતક મયંક લોહાર?
મયંકની ઉંમર માત્ર 22 વર્ષની હતી અને તે પોતાના પરિવાર સાથે વિરાર વિસ્તારમાં રહેતો હતો. તેણે ફાઇનાન્સ માર્કેટિંગનો અભ્યાસ કર્યો હતો અને છેલ્લા નવ મહિનાથી અંધેરી (ચકાલા) ખાતે આવેલી ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. નોકરી માટે તે રોજ વિરારથી અંધેરી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો હતો. 

ઘટનાની રાત્રે પણ તે કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યો હતો. મયંકના પરિવારમાં તેના માતા-પિતા, ત્રણ ભાઈ અને એક બહેન છે. મયંકનો પરિવાર મૂળ નેપાળનો છે, પરંતુ તેઓ છેલ્લા છ પેઢીથી મુંબઈમાં જ સ્થાયી થયેલા છે. પહેલા તેઓ અંધેરીમાં રહેતા હતા, પરંતુ ઘર રિડેવલપમેન્ટમાં જતાં છેલ્લા પાંચ વર્ષથી વિરાર (ઈસ્ટ)ના ભોઈર પાડા વિસ્તારમાં રહેતા હતા.

આરોપી કોણ છે?
આરોપીનું નામ રોશન સુવર્ણા છે. તે તેના પિતા સાથે અંધેરીમાં એક કાર્ગો કંપનીમાં લેબલિંગનું કામ કરે છે. સામાન્ય રીતે બંને પિતા-પુત્ર સાથે જ ઘરે જાય છે, પરંતુ તે દિવસે રોશનના પિતા વહેલા નીકળી ગયા હતા અને રોશન ટ્રેનમાં એકલો જઈ રહ્યો હતો. રોશનનો પરિવાર મીરા રોડના સાઈબાબા નગર વિસ્તારમાં રહે છે.

આખી ઘટના શું છે?
મયંક ચર્ચગેટથી નાલાસોપારા જતી ફાસ્ટ ટ્રેનમાં ચડ્યો હતો. ટ્રેન જ્યારે અંધેરીથી બોરીવલી તરફ જઈ રહી હતી, ત્યારે બહાર મુસળધાર વરસાદ પડી રહ્યો હતો અને આરોપી રોશન ટ્રેનના દરવાજા પાસે ઉભો હતો. વરસાદનું પાણી અંદર આવતું હોવાથી અન્ય મુસાફરોએ રોશનને દરવાજો બંધ કરવા વિનંતી કરી હતી, પરંતુ તે દરવાજો બંધ કરવા તૈયાર નહોતો.

આ બાબતને લઈને રોશન અને અન્ય મુસાફરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. મયંકે પણ તેને દરવાજો બંધ કરવા કહ્યું. આ વિવાદ એટલો વધી ગયો કે દરવાજો બંધ ન કરવા બદલ કેટલાક મુસાફરોએ રોશનને માર માર્યો. ગુસ્સામાં આવીને રોશને તેની બેગમાંથી ચપ્પુ કાઢ્યું અને મયંક પર ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા. અન્ય મુસાફરો કંઈ સમજે તે પહેલાં જ મયંક લોહીલુહાણ થઈને ટ્રેનના દરવાજા પાસે જ ઢળી પડ્યો અને બાકીના મુસાફરો ડરીને દૂર ભાગી ગયા હતા. મયંકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.