Wed Jun 24 2026

Logo

ક્રૂડતેલના ઊંચા ભાવ અને ચોમાસું સાધારણ રહેવાની શક્યતાએ

2026-06-24 20:01:06
Author: Ramesh Gohil
Article Image

એસ એન્ડ પીએ નાણાકીય વર્ષ 2027 માટે જીડીપીનો અંદાજ ઘટાડીને 6.6 ટકા કર્યો 

નવી દિલ્હીઃ તાજેતરનાં પશ્ચિમ એશિયાના વિવાદને કારણે ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા વધારાને કારણે અપેક્ષિત ફુગાવાલક્ષી દબાણ અને આ વર્ષે દેશમાં ચોમાસું પણ સાધારણ કરતાં નબળું રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતા એસ ઍન્ડ પી ગ્લોબલ રેટિંગ એજન્સીએ વર્તમાન નાણાકીય વર્ષ 2027 માટે ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટીને 6.6 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. 

નોંધનીય બાબત એ છે કે ગત નાણાકીય વર્ષ 2025-26માં જીડીપી વૃદ્ધિદર 7.7 ટકા અને તે પૂર્વેના વર્ષ 2024-25માં 7.1 ટકા જીડીપી વૃદ્ધિદર રહ્યો હતો. વર્તમાન નાણાકીય વર્ષમાં ખાસ કરીને એનર્જી અથવા તો ક્રૂડતેલલક્ષી દબાણ અને ચોમાસું સાધારણ સરેરાશ કરતાં નબળું રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતા જીડીપી વૃદ્ધિદર ગત સાલની સરખામણીમાં ઘટીને 6.6 ટકા રહેવાનો અમે અંદાજ મૂક્યો છે, જે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના અંદાજની સમકક્ષ છે, એમ એસ ઍન્ડ પીએ અહેવાલમાં જણાવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અલ નિનોની અસરને કારણે ગત બાવીસમી જૂન સુધી દેશમાં વરસાદની ખાધ વધીને 43 ટકા થઈ ગઈ છે. તેમ જ નબળા ચોમાસાનો સામનો કરવા માટે સરકારે રાજ્યવાર કટોકટીની યોજનાઓ બનાવી છે જેમાં ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં લેતા વૈકલ્પિક પાકની ભલામણ કરવામાં આવી છે.

વધુમાં ભારત તેની ક્રૂડતેલની કુલ જરૂરિયાત પૈકી 80 ટકા જરૂરિયાત આયાતથી પૂર્ણ કરે છે અને તાજેતરમાં ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હોવાથી ફુગાવામાં વધારો થશે. એજન્સીએ તેના ઈકોનોમિક આઉટલૂક એશિયા-પેસિફિક ક્યુ 3 2026ઃએઆઈ એક્સપોઝ્ડ માર્કેટ ટૂ આઉટપર્ફોમ નામક અહેવાલમાં જણાવ્યું હતું કે આ ક્ષેત્રનો દૃષ્ટિકોણ સ્થિતિસ્થાપક વૈશ્વિક પ્રવૃત્તિ, ક્રૂડતેલની બજારમાં તણાવ અને એઆઈ આધારિત ટેક્નોલૉજી નિકાસ તેજી દ્વારા આકાર પામે છે. 

વધુમાં અહેવાલમાં ઉમેર્યું હતું કે પશ્ચિમ એશિયાના વિવાદથી ઉદ્ભવેલા ક્રૂડતેલની બજારના તણાવની અસર જોવા મળી રહી છે. કેમ કે ઉદ્યોગ ઈનપૂટખર્ચ અને પુરવઠાકારોના ડિલિવરી સમયમાં નોંધપાત્ર વધારાનો સામનો કરી રહ્યો છે. તેમ જ ખાતરના ઊંચા ભાવની ખાદ્યના ઉત્પાદન અને ભાવ પર અસર થતી હોય છે. 

એકંદરે ફુગાવામાં વધારો થવાને કારણે ખરીદશક્તિ ઘટતાં આર્થિક વૃદ્ધિ દબાણ હેઠળ આવતી હોય છે. આથી અમે ભારતમાં ત્રીજા ત્રિમાસિકગાળામાં ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો 0.5થી 0.6 ટકા વધે તેવી શક્યતા મૂકી રહ્યા છીએ, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં સરેરાશ ફુગાવો વધીને 5.1 ટકા આસપાસ રહેવાની ધારણા મૂકી રહ્યા છીએ.