ન્યૂ યોર્ક: દર ચાર વર્ષે યોજાતો ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, લિયોનેલ મેસી (MESSI) તેના અસ્સલ અને જબરદસ્ત ફોર્મમાં છે, તેના પાંચેય ગોલની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયું છે અને મેસી તેના સંભવિત આ અંતિમ વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને વધુ એક ટ્રોફી આપવા મક્કમ છે એ સંગીન સ્થિતિમાં ‘ફૂટબૉલ કિંગ' મેસી આજે 39મો બર્થ-ડે (39TH BIRTHDAY) ઉજવી રહ્યો છે.
સૌથી વધુ છ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમવાનો વર્લ્ડ રેકૉર્ડ સોમવારે સ્થાપિત કરનાર મેસી વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ 18 ગોલ કરનારો ખેલાડી છે. GOAT (Greatest Of All Time) તરીકે ઓળખાતા મેસીને આજે વિશ્વભરમાંથી જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે.

મેસીનો જન્મ 1987ની 24મી જૂને આર્જેન્ટિનાના રોઝારિયો શહેરમાં થયો હતો. આર્જેન્ટિનાના સાથી ખેલાડીઓ તેમ જ આર્જેન્ટિનાનું ફૂટબોલ ફેડરેશન આખા દેશમાં મેસીના જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે.
આ યાદગાર પ્રસંગે આપણે મેસી વિશેની કેટલીક ઓછી જાણીતી વાતો પર નજર કરીએ...
(1) લિયોનેલ મેસીએ 2005માં આંતરરાષ્ટ્રીય ફૂટબૉલના મેદાન પર ડેબ્યૂ કર્યું હતું. જોકે તે માત્ર 47 સેકન્ડ માટે ગ્રાઉન્ડ પર રહી શક્યો હતો. તેને એ મૅચમાં સબસ્ટિટયૂટ તરીકે મોકલવામાં આવ્યો હતો એક ફાઉલને કારણે તેને તેની 47મી સેકન્ડમાં રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું અને એ મૅચમાંથી તેમ જ ત્યાર પછીની મૅચમાંથી તેની બાદબાકી થઈ ગઈ હતી. આર્જેન્ટિના વતી તેણે કુલ 201 મૅચમાં 122 ગોલ કર્યા છે.
(2) મેસી 2021માં બાર્સેલોના છોડીને પૅરિસ સેન્ટ-જર્મેઈન (પીએસજી) ક્લબની ટીમમાં જોડાયો હતો. ત્યારે 11મી ઓગસ્ટે તે પીએસજીમાં જોડાયો અને 13મી ઓગસ્ટે પીએસજીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા (માત્ર બે દિવસમાં) 3.88 કરોડથી વધીને 4.60 કરોડ થઈ ગઈ હતી.
(3) મેસીએ સિનિયર ફૂટબૉલ ખેલાડી તરીકેનો પ્રથમ કૉન્ટ્રેક્ટ 18 વર્ષની ઉંમરે 16 અબજ રૂપિયાના બદલામાં સાઇન કર્યો હતો.
(4) લિયોનેલ મેસીનું ‘લિયો મેસી ફાઉન્ડેશન' વિશ્વના અનેક દેશોના બાળકોને સારું શિક્ષણ તેમ જ આરોગ્ય અને સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ માટે વિવિધ સંસ્થાઓને આર્થિક સહાય કરે છે.
(5) મેસીએ વર્ષો સુધી એન્ટોનેલા સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ 2017માં તેની સાથે લગ્ન કર્યા હતા. મેસી પાંચ વર્ષનો હતો ત્યારથી એન્ટોનેલાને ઓળખતો હતો.
(6) લિયોનલ મેસી અને એન્ટોનેલાને ત્રણ પુત્ર છે. સૌથી મોટો ટિઍગો મેસી, વચલો સિરો મેસી અને નાનો મૅટિયો મેસી.
(7) લિયોનેલ મેસીને નાનપણમાં શરીરમાં ગ્રોથ હોર્મોનની અછતની સમસ્યા હતી. જોકે તે ટીનેજ વયે ફૂટબૉલ ક્લબ બાર્સેલોના સાથે કૉન્ટ્રેક્ટ કરીને સ્પેનમાં સ્થાયી થયો હતો. આ ક્લબે ત્યારે કૉન્ટ્રેક્ટની શરત પ્રમાણે મેસીને હોર્મોનને લગતી તેની સારવારનો ખર્ચ ઉપાડ્યો હતો.
(8) ફૂટબૉલમાં બલોં ડી ઑર નામનો અવૉર્ડ સર્વોચ્ચ ગણાય છે અને મેસી એ પુરસ્કાર સૌથી વધુ આઠ વખત જીતી ચૂક્યો છે.
(9) 2008માં મેસીએ ચીનમાં બેઈજિંગની ઑલિમ્પિક્સમાં આર્જેન્ટિનાને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. 2022માં મેસીના નેતૃત્વમાં આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું.
(10) 2013માં મેસી અને તેના પિતા યોર્જ મેસીએ સ્પેનમાં લાખો ડોલરનો કરવેરો છુપાવ્યો એવો તેમના પર આક્ષેપ થયો હતો. પિતા-પુત્રએ સ્પેનમાં 2007-2009 દરમ્યાન ઓછી આવક બતાવીને કરવેરો ઘટાડવાનો પ્રયાસ કર્યો હોવાનો તેમના પર આક્ષેપ હતો. તેમણે ત્યારે 50 લાખ યુરોનો કરવેરો ચૂકવ્યો હતો. જોકે હજી ઘણો કરવેરો ભરવાનો બાકી હોવાનું અદાલતના ન્યાયાધીશે જણાવ્યું હતું. 2016માં બાર્સેલોનાની એક કોર્ટે મેસીને કરચોરી બદલ 21 મહિનાની જેલની સજા જાહેર કરી હતી. જોકે 2.87 લાખ ડોલરનો દંડ મેસીએ ભર્યો હતો અને જેલની સજા પર સ્ટે મુકાયો હતો.
(11) 2019માં કોપા અમેરિકા નામની ટૂર્નામેન્ટમાં બ્રાઝિલની તરફેણ કરવામાં આવી હોવાનો અને ભ્રષ્ટાચાર થયો હોવાનો મેસીએ સાઉથ અમેરિકન ફૂટબોલની ગવર્નિંગ બૉડી સામે આક્ષેપ કર્યો હતો જેને પગલે મેસીના તમામ ટૂર્નામેન્ટોમાં રમવા પર ત્રણ મહિનાનો પ્રતિબંધ મુકાયો હતો અને તેને 50,000 ડોલરનો દંડ પણ કરાયો હતો.
(12) 2022ના મે મહિનામાં મેસી કોવિડ વાઈરસનો શિકાર થયો અને એ બીમારીમાંથી મુક્ત થયા બાદ ડિસેમ્બરમાં તેણે આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપ જિતાડ્યો હતો.