Wed Jun 24 2026

Logo

ચીન અને અન્ય ત્રણ દેશોથી આયાત થતાં ઈલેક્ટ્રિકલ સ્ટીલ પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની તપાસ

2026-06-24 20:06:04
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ટ્રાન્સફોર્મરમાં વપરાત ઈલેક્ટ્રિકલ સ્ટીલની ચીન, જાપાન, રશિયા અને કોરિયાથી થતી આયાત સામે ભારતે એન્ટિ ડમ્પિંગ તપાસ હાથ ધરી હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જેએસડબ્લ્યુ જેએફઈ ઈલેક્ટ્રિકલ સ્ટીલ નાશિક પ્રા. લિ. દ્વારા કરવામાં આવેલી ફરિયાદને ધ્યાનમાં લેતા ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર) દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે. 

અરજદારે આક્ષેપ કર્યો છે કે કોલ્ડ રોલ્ડ ગે્રઈન ઓરિયન્ટેડ ઈલેક્ટ્રિકલ સ્ટીલ અને એમોર્ફસ મેટલની સસ્તા ભાવે થઈ રહેલી આયાતથી ઉદ્યોગને નોંધપાત્ર માત્રામાં હાની થઈ રહી છે. અરજદાર દ્વારા કરવામાં આવેલી લેખિત યોગ્ય અરજી અને ઉત્પાદનના થઈ રહેલા ડમ્પિંગના પ્રથમદર્શી પુરાવાઓ સંતોષજનક હોવાથી એન્ટિ ડમ્પિંગ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ડીજીટીઆરએ નોટિફિકેશનમાં જણાવ્યું હતું. 

તપાસ અંતર્ગત ચીન, જાપાન, રશિયા અને કોરિયાથી થતી આયાતને કારણે ઉદ્યોગને થઈ રહેલા નુકસાનની આકારણી કરવામાં આવશે અને જો ડમ્પિંગને કારણે નોંધપાત્ર માત્રામાં હાની થઈ રહી હોવાનું ફલિત થતાં એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ કરવામાં આવશે. જોકે, ડ્યૂટી લાદવા અંગેનો અંતિમ નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવતો હોય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ બન્ને ઉત્પાદનોનો અંતિમ વપરાશ પાવર/ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર કૉરના ઉત્પાદનમાં થાય છે. બન્ને મટિરિયલનો ઉપયોગ એકસરખા યુટિલિટીઝ, ઔદ્યોગિક વપરાશકારો અને રિન્યૂએબલ પાવર પ્રોજેક્ટમાં થાય છે.